કતારની રાજધાની દોહામાં ઇઝરાયલી હુમલાઓથી ખૌફ જોવા મળી રહ્યો છે. અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ યોજનાની ચર્ચા કરવા માટે દોહામાં હાજર રહેલા હમાસ પ્રતિનિધિઓ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.
બોમ્બ બ્લાસ્ટની હારમાળ
આ હુમલો ગાઝાના વડા ખલીલ અલ-હૈયા સહિત ટોચના હમાસ નેતાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. હમાસના સૂત્રોને ટાંકીને અલ-જઝીરા કહી રહ્યું છે કે આ હુમલો અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ યોજનાની ચર્ચા કરવા માટે દોહામાં હાજર રહેલા હમાસ વાટાઘાટકારો પર કરવામાં આવ્યો હતો. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ અન્સારીએ ઇઝરાયલના હુમલાની નિંદા કરતા નિવેદન બહાર પાડ્યું હતુ. આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે અને કતારની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે સીધો ખતરો છે.
રહેણાંક વિસ્તાર પર હુમલો
ઇઝરાયલે દોહામાં જે સ્થળને નિશાન બનાવ્યું છે તે રહેણાંક વિસ્તાર છે. નિર્જન સ્થળ નથી. અલ-અસ્સાએ સુરક્ષા અધિકારીઓને ટાંકીને કહ્યું કે તેમની સૌથી મોટી પ્રાથમિકતા સ્થળને સુરક્ષિત કરવાની અને કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જોવાની છે. તેમણે કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ જટિલ છે. કારણ કે મામલો ખૂબ જ સંવેદનશીલ સ્થળનો છે. દોહામાં ચાલી રહેલી હમાસ વાટાઘાટ ટીમની બેઠકનો હેતુ અમેરિકા દ્વારા લાવવામાં આવેલા નવા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર વિચાર કરવાનો હતો.
પેલેસ્ટિનિયનોને અપાઇ ચેતવણી
આ દરમિયાન ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 35 લોકો માર્યા ગયા છે. જેમાં રાહત શોધતા 7 નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલ ગાઝા શહેર કબજે કરવાની યોજના પર સતત કામ કરી રહ્યું છે. પેલેસ્ટિનિયનોને ચેતવણી આપવામાં આવી રહી છે અને દક્ષિણ તરફ જવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.













