રશિયાની રાજધાની મોસ્કો હાલમાં અસાધારણ ઠંડી અને રેકોર્ડબ્રેક હિમવર્ષાનો સામનો કરી રહી છે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં શરૂ થયેલી ભારે બરફવર્ષાએ સમગ્ર શહેરને સફેદ ચાદરથી ઢાંકી દીધું છે. રસ્તાઓ પર બરફના પહાડો ઉભા થઈ ગયા છે, ફૂટપાથ દેખાતા નથી અને વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. ઘણા વિસ્તારોમાં લાંબા ટ્રાફિક જામ જોવા મળી રહ્યા છે, જ્યારે બસ, ટ્રામ અને મેટ્રો સેવાઓ પણ વિલંબથી ચાલી રહી છે.
એક જ દિવસે 21.4 મિલીમીટર બરફ
રશિયન હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 9 જાન્યુઆરીએ થયેલી હિમવર્ષા મોસ્કોના 146 વર્ષના હવામાન ઇતિહાસમાં સૌથી ભારે ગણાઈ રહી છે. માત્ર એક જ દિવસે 21.4 મિલીમીટર બરફ અને વરસાદ નોંધાયો હતો, જે અગાઉ 1976માં નોંધાયેલા રેકોર્ડ કરતાં ઘણો વધારે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ હિમવર્ષા માત્ર ઐતિહાસિક જ નથી, પરંતુ 21મી સદીની સૌથી ભારે ત્રણ હિમવર્ષામાંથી એક છે.
મોસ્કો સરકાર સતત કામ પર
મોસ્કો મેયર ઓફિસ મુજબ, શહેરની મ્યુનિસિપલ સેવાઓ સતત કામ કરી રહી છે. છેલ્લા બે દિવસમાં રસ્તાઓ અને જાહેર વિસ્તારોમાંથી લગભગ 10 લાખ ક્યુબિક મીટર બરફ દૂર કરવામાં આવ્યો છે. તેમાંમાંથી આશરે 7.5 લાખ ક્યુબિક મીટર બરફ ખાસ બરફ પીગળવાના પ્લાન્ટમાં મોકલવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે જો આટલો બરફ રેલવે વેગનમાં ભરવામાં આવે, તો 8,500થી વધુ ગોંડોલા વેગન લાગશે અને 100 કિલોમીટરથી વધુ લાંબી ટ્રેન બની શકે.
હવામાન નિષ્ણાતો મુજબ
હવામાન નિષ્ણાતો મુજબ, 8 જાન્યુઆરીની સાંજે ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાંથી આવેલા શક્તિશાળી ચક્રવાતના કારણે મોસ્કો અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ. પહેલા શહેરના દક્ષિણપૂર્વ અને પૂર્વીય વિસ્તારોમાં બરફ પડ્યો અને પછી થોડા જ કલાકોમાં આખા મોસ્કોને ઢાંકી લીધો. આ વર્ષે અત્યાર સુધીમાં મોસ્કોમાં 35 મીમીથી વધુ વરસાદ અને બરફ નોંધાયો છે, જે જાન્યુઆરીના સરેરાશ કરતાં લગભગ 67 ટકા વધારે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ 10થી 12 સેન્ટિમીટર સુધી બરફ પડી શકે તેવી ચેતવણી આપી છે. વહીવટીતંત્રે લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની સલાહ આપી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : World News : બિલ ગેટ્સની ચેતવણી, AI સૌથી મોટો ખતરો?