કેન્દ્ર સરકારના આદેશ અને ચેતવણી પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ પોર્નોગ્રાફિક અને વાંધાજનક સામગ્રી સામે મોટું પગલું ભર્યું છે. કંપનીએ પોતાના પ્લેટફોર્મ પરથી લગભગ 600 એકાઉન્ટ્સ ડિલીટ કર્યા છે અને 3,500 થી વધુ પોસ્ટ્સ દૂર કરી છે. સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ બાદ X એ સ્પષ્ટ કર્યું છે કે તે ભારતના નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને ભવિષ્યમાં આવી સામગ્રીને મંજૂરી આપશે નહીં.
મંત્રાલયની ચેતવણી બાદ આ નિર્ણય
આ કાર્યવાહી કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રાલયની ચેતવણી બાદ કરવામાં આવી છે. મંત્રાલયે X ને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે જો 72 કલાકની અંદર જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો કંપની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. સરકારનો આરોપ હતો કે X ના AI ચેટબોટ “ગ્રોક”નો દુરુપયોગ થઈ રહ્યો છે અને તેના માધ્યમથી મહિલાઓની તસવીરો અને વિડિઓઝને અશ્લીલ તથા અપમાનજનક રીતે બનાવવામાં અને ફેલાવવામાં આવી રહી છે.
અશ્લીલ છબીઓ બનાવવાના ગંભીર આરોપો
ખાસ કરીને ગ્રોક પર મહિલાઓ અને બાળકોની અશ્લીલ છબીઓ બનાવવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. આ મુદ્દે માત્ર ભારત જ નહીં, પરંતુ ફ્રાન્સ, બ્રાઝિલ, મલેશિયા અને યુરોપિયન યુનિયન જેવી ઘણી સરકારોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. આ દેશોએ AI ટેકનોલોજીના દુરુપયોગને લઈ કડક નિયમોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
અભ્યાસમાં ચોંકાવનારા આંકડા
બિન-લાભકારી સંસ્થા “AI ફોરેન્સિક્સ” દ્વારા કરાયેલા એક અભ્યાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સંસ્થાએ 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન ગ્રોક દ્વારા બનાવાયેલા લગભગ 20,000 ફોટાઓનું વિશ્લેષણ કર્યું હતું. તેમાંમાંથી આશરે 2 ટકા તસવીરોમાં 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને બિકીની કે પારદર્શક કપડાંમાં દર્શાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જે ગંભીર ચિંતા જગાવે છે.
સરકારને ખાતરી આપી
આ સમગ્ર વિવાદ બાદ X એ સરકારને ખાતરી આપી છે કે તે પોતાની કન્ટેન્ટ મૉડરેશન નીતિઓ વધુ કડક બનાવશે. કંપનીનું કહેવું છે કે તે વપરાશકર્તાઓની સુરક્ષા, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના ગૌરવ અને ગોપનીયતાને પ્રાથમિકતા આપશે. સરકાર અને જનતા હવે જોવાની રાહ જોઈ રહી છે કે X ભવિષ્યમાં આવા વિવાદોથી કેવી રીતે બચી શકે છે.
આ પણ વાંચો : Minneapolisમાં મહિલાની હત્યા બાદ અમેરિકામાં ભારે વિરોધ