અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી બે અઠવાડિયામાં અમેરિકાની મુલાકાતે આવશે. ટ્રમ્પે આ જાહેરાત વ્હાઇટ હાઉસ નજીક ચાલી રહેલા નવા બોલરૂમ અને લશ્કરી સંકુલના નિર્માણ કાર્ય વિશે વાત કરતી વખતે કરી હતી. તેમણે આ પ્રોજેક્ટની તુલના ચીનના પ્રખ્યાત 'ગ્રેટ હોલ' સાથે કરી હતી અને ગર્વપૂર્વક જણાવ્યું હતું કે હવે અમેરિકા પાસે પણ પોતાનો એક ભવ્ય 'ગ્રેટ હોલ' હશે.
શી જિનપિંગ લેશે અમેરિકાની મુલાકાતઃ ટ્રમ્પ
આ જાહેરાત રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં આયોજિત 'બેક-ટુ-સ્કૂલ' કાર્યક્રમના લોન્ચિંગ દરમિયાન કરી હતી. જોકે, તેમના દ્વારા શી જિનપિંગ સાથેની મુલાકાતની ચોક્કસ તારીખ, સમયપત્રક કે અન્ય કોઈ વિગતો શેર કરવામાં આવી ન હતી. ટ્રમ્પે કાર્યક્રમમાં જણાવ્યું કે, "રાષ્ટ્રપતિ શી બે અઠવાડિયામાં આવી રહ્યા છે. મેં થોડા સમય પહેલા ચીનની મુલાકાત લીધી હતી અને ત્યાંનો ગ્રેટ હોલ જોયો હતો. હવે અમેરિકામાં પણ આપણો પોતાનો ગ્રેટ હોલ હશે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે."
