યમનમાં લાંબા સમયથી ચાલી રહેલો સંઘર્ષ ફરી ઉગ્ર બન્યો છે. બુધવારે સવારે હૂતી પ્રવક્તા નસરુદ્દીન આમેરે દાવો કર્યો કે સાઉદી સમર્થિત સેનાએ રાતોરાત યમનના 4 પ્રાંતોમાં કુલ 32 એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલાઓ તાઇઝ, હોદેઇદા, જૌફ અને મરીબ વિસ્તારમાં કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
એક દિવસ પહેલાં એવું શું થયું હતું?
હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયામાં અનેક ઓઇલ રિફાઇનરીઓ અને જાહેર ઉપયોગિતાના કેન્દ્રોને નિશાન બનાવી હુમલા કર્યા હોવાનો દાવો છે. આ હુમલાઓમાં 73 લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. તેના બીજા જ દિવસે યમનમાં સાઉદી સમર્થિત દળોની કાર્યવાહી સામે આવતા બંને પક્ષો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
4 પ્રાંતોમાં એકસાથે હુમલાથી શું સંકેત મળ્યો?
જે 4 પ્રાંતોમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ત્યાં હૂતી વિદ્રોહીઓનું નિયંત્રણ હોવાનું જણાવાય છે. જોકે હુમલાઓમાં તાત્કાલિક કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. સાઉદી સત્તાવાળાઓ તરફથી આ દાવા અંગે હજુ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ચાર વર્ષનો યુદ્ધવિરામ ફરી જોખમમાં?
છેલ્લા કેટલાક અઠવાડિયાથી હૂતી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિત સરકારી દળો વચ્ચે અથડામણો વધી રહી હતી. આ વધતા તણાવને કારણે યમનમાં લાંબા સમયથી ચાલતી શાંતિની સ્થિતિ ફરી જોખમમાં મુકાઈ છે. વિવિધ અહેવાલો અનુસાર બુધવારે અનેક મોરચે લડાઈ વધુ ઉગ્ર બની હતી.
મરીબ અને તાઇઝમાં પણ મોરચો ગરમાયો
સાઉદી સમર્થિત યમની સેનાએ દક્ષિણ મરીબમાં મોટા પાયે સૈન્ય અભિયાન શરૂ કર્યું હોવાનો દાવો કર્યો છે. તાઇઝના તોઇલ અને અલ-બરા મોરચે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ સાથે લડાઈ ચાલુ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સેનાએ હૂતી જૂથને ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. યમનમાં ફરી વધતી સૈન્ય કાર્યવાહી વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ સંઘર્ષ માત્ર મર્યાદિત જવાબી કાર્યવાહીમાં અટકશે કે પછી લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને વધુ ભયાનક દિશામાં ધકેલી દેશે.
આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું