• બહુમતી સાબિત કરવા માટે ઇમરાનને 172 સાંસદોના સમર્થનની જરૂર

  • ઇમરાને સરકાર બચાવવા માટે પંજાબના સીએમને હટાવી દીધા
  • રેલીમાં ઇમરાને વિપક્ષ પર વિદેશી દળો સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો


પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 28 માર્ચે ઇમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ચાર દિવસ પછી એટલે કે 31 માર્ચે તેના પર ચર્ચા થવાની છે. સોમવારે ઇમરાન ખાને પોતાની સરકાર બચાવવા માટે પોતાના સૌથી મોટા પ્રાંત પંજાબના સીએમને હટાવી દીધા છે. જેથી કરીને સાથી પક્ષ PML-Qને પંજાબના સીએમ પદની સીટ આપીને તે પોતાનું પીએમ પદ બચાવી શકે. આજે જ વિપક્ષના મહાગઠબંધન PDMએ પણ શાહબાઝ શરીફને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે.

જણાવી દઈએ કે 342 સાંસદોની નેશનલ એસેમ્બલીમાં બહુમત માટે 172 સાંસદો જરૂરી છે. ભૂતકાળમાં, ઇમરાન ખાનની સરકારને ગઠબંધન સાથીઓ  સાથે 178નું સમર્થન હતું. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 24 સાંસદો હાલ નારાજ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 50 સાંસદો પણ સાથ છોડવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષનો દાવો છે કે તેમની પાસે 164 સાંસદોનું સમર્થન છે.

27 માર્ચે ઇમરાને ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં રેલી યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે વિદેશી શક્તિઓ તેમની સરકારને પાડવા માંગે છે. ઇમરાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં સરકાર બદલવા માટે વિદેશી નાણાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ઇમરાન ખાનની છેલ્લી રેલી સાબિત થશે?


બહુમતી ગુમાવ્યા બાદ ઇમરાન ખાને રેલીઓ દ્વારા માહોલ બનાવવાનો પ્રયાસ કરતા રહ્યા. તેમને લાગ્યું કે કદાચ જનતા તેમના સમર્થનમાં રસ્તા પર આવશે, પરંતુ જ્યારે તમામ પ્રયાસો છતાં લોકો ઇસ્લામાબાદ ન આવ્યા ત્યારે ઇમરાને અંતિમ પ્રયાસ તરીકે ચિઠ્ઠી હવામાં લહેરાવીને વિપક્ષ પર વિદેશ સાથે સાંઠગાંઠના આરોપો પણ લગાવ્યા.

ઇમરાને બિલાવલ-મરિયમ પર નિશાન સાધ્યું


ઇમરાને પોતાની રેલીમાં બિલાવલ ભુટ્ટો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે બિલાવલ નેતા બનવા માંગે છે, પરંતુ આસિફ ઝરદારીએ તેને નેતા બનતા પહેલા થોડા મોટા થવા દેવો જોઈએ. મરિયમ નવાઝનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું હતું કે મરિયમે તેના જીવનમાં એક કલાક પણ કામ કર્યું નથી. તેને 14 વર્ષમાં ઉર્દૂ કેવી રીતે બોલવું તે આવડતું ન હતું, તેમ છતાં તે નેતા બનવા માંગે છે.

ઇમરાન સરકાર વિરુદ્ધ થઈ BAP

28 માર્ચે ઇમરાન ખાનની પાર્ટીને વધુ એક આંચકો લાગ્યો હતો. ઇમરાન સરકારના સહયોગી બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP)એ અવિશ્વાસ પ્રસ્તાવ પર ઇમરાન વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. BAP વડાએ કહ્યું છે કે તેઓ ઇમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષની સાથે છે.


આર્મીથી કેવી રીતે દૂર થયા ઇમરાન ખાન?

2018માં વડાપ્રધાન બનેલા ઇમરાન ખાન બીજા વર્ષે પણ આર્મી ચીફ જનરલ બાજવાની ગુડબુકમાં રહ્યા. 2019માં, તેમણે બાજવાનો કાર્યકાળ 3 વર્ષ માટે લંબાવ્યો. પરંતુ 2021 સુધીમાં ઇમરાન ખાનને લાગવા માંડ્યું કે તે સેનાથી ઉપર છે. આ જ તાનમાં ISI ચીફ ફૈઝ હમીદના ટ્રાન્સફરને કારણે બાજવા સાથેના તેમના સંબંધો બગડ્યા હતા. વાસ્તવમાં બાજવાએ ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની બદલી કરી હતી.

આ નિર્ણયથી ઇમરાન ખાન ખૂબ નારાજ થઈ ગયા. જ્યારે પાકિસ્તાનમાં આ નિર્ણય આર્મી ચીફની સલાહ પર લેવામાં આવે છે. પરંતુ ઇમરાન પાંચમા વર્ષે ભૂલ કરી બેઠા અને તેમની સરકારના ખરાબ દિવસો શરૂ થયા. વાસ્તવમાં ISI ચીફની પાકિસ્તાનની રાજનીતિમાં મહત્વની ભૂમિકા છે. આઈએસઆઈના વડા ખુલ્લેઆમ સરકાર બનાવવા અને બગાડવાની રમત રમે છે, તેથી જ ઇમરાન ઈચ્છતા હતા કે આઈએસઆઈ અધિકારી તેમના નિયંત્રણમાં રહે, પરંતુ આ પ્રયાસમાં તેમણે બાજવાને નારાજ કર્યા.

  • Follow us on: