- ઉત્તર કોરિયામાં નથી મળતી પ્રાથમિક સુવિધાઓ
- કિમ જોંગના પરમાણુ હથિયાર પરીક્ષણ સ્થળની નજીક ફેલાઈ બિમારી
- ગર્ભમાં જ બાળકોને બનાવે છે રોગનો શિકાર
ઉત્તર કોરિયા એવો દેશ છે જ્યાં સરમુખત્યારશાહી છે, લોકશાહી નથી. લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. પહેલાથી જ અનેક સંકટનો સામનો કરી રહેલા આ દેશના લોકો હવે એક રહસ્યમય રોગના રૂપમાં વધુ એક મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર અહીં હાથ, પગ કે શરીરના અન્ય અંગો વગર બાળકોનો જન્મ થઈ રહ્યો છે. ડેઈલીમેલના એક અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાથી ભાગી છૂટવામાં સફળ રહેલા કેટલાક લોકોએ કહ્યું કે દેશના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનના પરમાણુ હથિયાર પરીક્ષણ સ્થળની નજીક આ રોગ ફેલાયો છે. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો અને કેટલો ગંભીર છે.
આ વાર્તા 2015માં ઉત્તર કોરિયાથી ભાગી ગયેલા યુંગરાન લીની છે. તેમણે કહ્યું કે પુંગગે-રી પરીક્ષણ સ્થળની આસપાસના વિસ્તારો ખૂબ જ ડરામણી બીમારીનો સામનો કરી રહ્યા છે. આ રોગ લોકોનો જીવ લઈ રહ્યો છે અને ગર્ભમાં જ બાળકોને તેનો શિકાર બનાવે છે. જેના કારણે બાળકો અંગો વગર જન્મી રહ્યા છે. ડોકટરો આ રોગ વિશે કશું જાણતા નથી. લીએ કહ્યું કે કિલ્જુ કાઉન્ટીના નાગરિકો બીમારીઓથી પીડિત છે અને તેનું કારણ કોઈને ખબર નથી. અહીં હોસ્પિટલોમાં ડૉક્ટરો રોગોનું નિદાન કરી શકતા નથી. આ સિવાય લગભગ દરેક બીજા ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ કેન્સરથી પીડિત છે.













