લદ્દાખના દેપસાંગ અને ડેમચોકમાંથી ભારતીય અને ચીની સૈનિકો પરત ફરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. ભારત અને ચીનની વચ્ચે થયેલા આ કરાર પર રશિયા અને અમેરિકા સહિત ઘણા દેશોની નજર છે. આ પગલાંને એક દિવસ પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગુરુવારે પોતાના અમેરિકી સમકક્ષ જેક સુલિવન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને અધિકારીઓની વચ્ચે ક્ષેત્રની સુરક્ષા ઘટનાક્રમો અંગે ચર્ચા થઈ હતી. ઉપરાંત એનએસએએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિશ્વ સ્તર પર સ્થિરતા નક્કી કરવા માટે અને પ્રયાસોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. આગામી પાંચમી નવેમ્બરે યોજાનારા ચૂંટણી પહેલા વ્હાઈટ હાઉસે એક નિવેદમાં આ કોલ અંગે જાણકારી જાહેર કરી હતી.
વ્હાઈટ હાઉસે નિવેદનમાં શું કહ્યું?
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને આજે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ફોન પર વાત કરી હતી. "બંને અધિકારીઓએ પ્રાદેશિક સુરક્ષા વિકાસ પર ચર્ચા કરી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અને વૈશ્વિક સ્તરે સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વધુ પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો." આ સિવાય નિવેદનમાં અમેરિકાએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીમાં વિકાસને આવકાર્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી
ભારત અને અમેરિકા વચ્ચેની વધતી જતી ભાગીદારી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે ભારત અને અમેરિકા આજે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનો આનંદ માણે છે, જે લગભગ તમામ ક્ષેત્રોને આવરી લે છે. જે વહેંચાયેલ લોકતાંત્રિક મૂલ્યો, હિતોનું રક્ષણ અને લોકો વચ્ચેના સારા સંબંધોથી પ્રેરિત છે. આજે, યુએસ-ભારત ભાગીદારી વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયબર સુરક્ષા, નાગરિક પરમાણુ ઊર્જા, અવકાશ તકનીક, સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ, કૃષિ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીને આવરી લે છે.










