- ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધની ખરાબ અસર ગાઝાના બાળકો પર
- WHO ના એક અધિકારીએ બાળકોને લઇને આપી દીધી પ્રતિક્રિયા
- હુમલાઓને કારણે ગાઝામાં દર 10 મિનિટે એક બાળકનું મોત થયા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની સૌથી ખરાબ અસર ગાઝાના બાળકો પર પડી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, ઈઝરાયેલના સૈન્ય હુમલાઓને કારણે ગાઝામાં દર 10 મિનિટે એક બાળકનું મોત થઈ રહ્યું છે. પેલેસ્ટાઈનમાં WHOના પ્રતિનિધિ રિચર્ડ પેપરકોર્ને જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રની પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપતાં વિશ્વને આ તરફ ધ્યાન આપવા કહ્યું છે. રિચર્ડ્સે ગાઝાની પરિસ્થિતિ અને અહીં બાળકોના મોતને માનવતા માટે સૌથી કાળો સમય ગણાવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, રિચર્ડ પેપરકોર્ને પોતાના સંબોધનમાં કહ્યું, જેમ આપણે બોલીએ છીએ, ગાઝા પટ્ટીમાં છેલ્લા બે મહિનામાં લગભગ 16,000 લોકો માર્યા ગયા છે. આમાંથી 60 ટકાથી વધુ મહિલાઓ અને બાળકો છે. આ યુદ્ધમાં 42,000 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો પણ મોટી સંખ્યામાં છે. છેલ્લા બે મહિનાથી ગાઝામાં દર 10 મિનિટે સરેરાશ એક બાળકનું મૃત્યુ થઈ રહ્યું છે. મને લાગે છે કે તે અર્થમાં આપણે માનવતાની સૌથી અંધકારમય ઘડીની નજીક છીએ.










