- રસ્તાના કોન્ટ્રાક્ટ, અને સ્વચ્છ પાણી સુધીની પહોંચ માટે સૌથી વધુ લાંચ આપવી પડે છે
- પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારને રોકવામાં ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓની ભૂમિકા અપ્રભાવી : સર્વેક્ષણ
- લોકોને દેશના એનબી સહિતની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓમાંથી ભરોસો ઊઠી ગયો છે
પાકિસ્તાનની પોલીસ અંગે ખૂબ જ ચોંકાવનારી સ્પષ્ટતા થઇ છે. એક સર્વેક્ષણ મુજબ પાડોશી દેશની પોલીસ વિશ્વની સૌથી ભ્રષ્ટ પોલીસ પૈકીની એક છે. એવું લાગે છે કે પાકિસ્તાનમાં લોકોએ પોતાના પોલીસ દળ પરથી ભરોસો ખોઇ દીધો છે. પાકિસ્તાન ટુડેના જણાવ્યા મુજબ એક નવા સર્વેક્ષણમાં જાણકારી મળે છે કે લોકોને દેશના રાષ્ટ્રીય જવાબદેહી બ્યુરો(એનબીએ) સહિતની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓમાંથી ભરોસો ઊઠી ગયો છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના તારણમાં જણાવ્યા મુજબ મોટાભાગના લોકોનું માનવું છે કે દેશમાં વધી રહેલા ખતરાને રોકવા માટેની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓની ભૂમિકા બિનપ્રભાવક છે.
તાજેતરમાં થયેલા સર્વેક્ષણ મુજબ 45 ટકા લોકોએ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારને રોકવામાં ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓની ભૂમિકા અપ્રભાવી હોવાનું જણાવ્યું છે. સિંધના માત્ર 35 ટકા લોકોએ જ માન્યું કે ભ્રષ્ટાચારને રોકવામાં એનબીએની ભૂમિકા પ્રભાવશાળી છે. પંજાબના 31 ટકા, ખૈબર પખ્તુનખ્વાના 61 ટકા, બલુચિસ્તાનના 58 ટકા જનતાનું માનવું છે કે દેશમાં ભ્રષ્ટાચારને રોકવામાં કોઇપણ ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી પ્રભાવી નથી. પાકિસ્તાનની જનતાનું માનવું છે કે જાહેર સેવા સુવિધાના વિતરણમાં સૌથી વધુ ભ્રષ્ટચાર થાય છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોય તેવી ત્રણ જાહેર સેવાઓમાં રસ્તાના કોન્ટ્રાક્ટ (40 ટકા), અવરોધહીન વીજપુરવઠાની ઉપલબ્ધિ (28 ટકા) તેમ જ સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધિ (17 ટકા) જેવી સેવાઓનો સમાવેશ થાય છે.










