- યુનોમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને ઉઠાવતા ભારતે વળતો જવાબ આપ્યો
- યુનોનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે
- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને રહેશે
સંયુક્ત રાષ્ટ્રમાં પાડોશી દેશ પાકિસ્તાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. જો કે ભારતને આનો એવો જવાબ આપ્યો કે પાકિસ્તાનનો કચરો થઈ ગયો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાન વારંવાર યુનોનું ધ્યાન ભટકાવવા આ મુદ્દો ઉઠાવતો રહે છે. જ્યારે પાકિસ્તાનનો આરોપ પાયાવગરનો, બેકાર અને ધ્યાન ભટકાવનારો છે. પાકિસ્તાન પોતાના દેશના બાળકો સાથે થઈ રહેલા ગુનાથી વિશ્વનું ધ્યાન ભટકાવવા આવું કરી રહ્યો છે. બાળકો અને હથિયારધારી સંઘર્ષ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આયોજિત ચર્ચા દરમિયાન યુએનમાં ભારતના ડેપ્યુટી પ્રતિનિધિ આર રવીન્દ્રને કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે.
ભારતે કહ્યું કે, પાકિસ્તાનનું ઉપરોક્ત નિવેદન આદત, રાજનીતિથી પ્રેરિત અને ભારત વિરુદ્ધ ખરાબ ઈચ્છાને કારણે છે. ભારત આ પાયાવિહોણા અને વાહિયાત નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢે છે. તેમણે કહ્યું કે યુએનએસસીમાં વર્ષોથી બાળકો પરની ચર્ચાએ સશસ્ત્ર સંઘર્ષની પરિસ્થિતિઓમાં બાળકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રકાશિત કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરી છે. તેથી, આંતરરાષ્ટ્રીય સમુદાયે બાળકો સામે થતા ઉલ્લંઘનોને રોકવા અને સમાપ્ત કરવાના મહત્વને ઓળખવું જોઈએ. તમને જણાવી દઈએ કે બાળકો પરની ચર્ચા દરમિયાન પાકિસ્તાને કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા.













