• પાકિસ્તાનમાં આશરે 22 લાખ હિંદુ રહે છે તે તમામ હોળી રમે છે
  • હાલ પાકિસ્તાનમાં હોળીની જાહેર રજા આપવામાં આવે છે
  • પાકિસ્તાન પણ હોળીના રંગે રંગાયું, પૂર્વ મંત્રીએ હોળીને લઈને આપ્યું નિવેદન
 
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ રવિવારે દેશના હિંદુ સમુદાયને હોળીની શુભેચ્છા પાઠવી. તેમને કહ્યું કે આ તહેવાર ધાર્મિક અથવા સાંસ્કૃતિક ભિન્નતાઓથી આગળ સહિયારી માનવતાની યાદ અપાવે છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષે એક નિવેદનમાં દેશની અંદર વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ માટે સમાવેશ અને આદરને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આવી ઉજવણીઓ રાષ્ટ્રની અંદર સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. બિલાવલે પાકિસ્તાનની વસ્તી વચ્ચે પરસ્પર સમજણ અને એકતાની હિમાયત કરતા સામાજિક સમરસતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પાકિસ્તાનમાં હોળી
જોવાની વાત એ છે કે ભલે વર્ષ-1947માં ભારત અને પાકિસ્તાન બે દેશના ભાગલા થયા હોય પરંતુ ભારતીય પરંપરા અને ભારતીય તહેવારો આજે પણ પાકિસ્તાનમાં ઉજવવામાં આવે છે. આમાં હોળી પણ સામેલ છે. પાકિસ્તાનમાં પણ ભારતની જેમ જ હોળી મનાવાય છે. પાકિસ્તાનમાં હોળી રમવા હિંદુ ધર્મના લોકો સામેલ થાય છે. હોળીના દિવસે લોકો એકબીજા પર રંગ નાખે છે. ભારતની જેમ જ પાકિસ્તાનમાં હોળીના દિવસે પકવાન બનાવવામાં આવે છે.

પાકિસ્તાની નેતા પણ હોળી રમે છે
પાડોશી દેશ પાકિસ્તાનમાં હિંદુ ધર્મને માનતા લોકોની સંખ્યા આશરે 22 લાખ છે. આ આંકડો પાકિસ્તાની કુલ વસ્તીના બે ટકાની આસપાસ છે. અગાઉ હોળીના દિવસે પાકિસ્તાનમાં રજા નહોતી પરંતુ હવે હોળીના દિવસે જાહેર રજાની જોગવાઈ છે. આ ઉપરાંત હવે પાકિસ્તાનના રાજનેતાઓ પણ હોળીના દિવસે હિંદુ સમુદાય સાથે તહેવારની ઉજવણી કરે છે. વર્ષ-2018માં પણ પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોએ હિંદુ કમ્યુનિટીના લોકો સાથે મળીને હોળી રમી હતી.
  • Follow us on: