- પાકિસ્તાનમાં બિસ્માર રોડ-રસ્તાઓને લીધે અકસ્માતોનો સીલસીલો યથાવત્
- અકસ્માતમાં એકજ પરિવારનાં ચાર બાળકો અને બે મહિલાઓનાં મોત
- પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાતમાં બે વાહનો વચ્ચે ભીષણ ટક્કર સર્જાઈ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પૂરપાટ વેગે જતું એક ટ્રેલર ટ્રક સાથે અથડાઈ જતા ચાર બાળકો સહિત સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. પોલીસે આ ગમખ્વાર અકસ્માતની જાણકારી આપી હતી. આ દુર્ઘટના પ્રાંતીય રાજધાની કરાચીમાં એ સમયે સર્જાઈ જ્યારે ટ્રેલરે ટ્રકને યૂ-ટર્ન લીધા બાદ પાછળથી આવી રહેલી મિનિ બસ સાથે અથડાઈ હતી. એક સિનિયર અધિકારીએ કહ્યું કે મૃતકોમાં એકજ પરિવારનાં ચાર બાળકો અને બે મહિલાઓ સામેલ છે. તેઓ તમામ સમુદ્ર કિનારે ફરવા ગયા હતા. જે બસમાં પ્રવાસ કરી રહ્યા હતા તે ટ્રેલર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી.
જ્યારે આ દુર્ઘટના પછી ટ્રેલર ચાલક ઘટનાસ્થળથી પલાયન થઈ ગયો હતો. મૌરીપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં બીજા છ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમાં બે બાળકો સામેલ છે. ઈમરજન્સી રિસપોન્સ ટીમે ઈજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી મદદ આપી હતી અને મૃતકોને કાયદેસરની કાર્યવાહી બાદ કરાચી સિવિલ ખસેડયા હતા. સિંધના મુખ્યપ્રધાન મુરાદ અલી શાહે આ ઘટનામાં મોતને ભેટેલા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું. એક નિવેદન જાહેર કરી તેમને નજીકના ખાનગી અને સરકારી હોસ્પિટલોને તાકીદ કરી હતી કે ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર કરવામાં આવે.













