આ ડિપ્લમૅટિક બ્લન્ડરને કારણે પીએમ શહબાઝ શરીફની જર્મનીના ફેડરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર સ્વેન્જા શુલ્ઝે સાથેની મુલાકાત લગભગ રદ્દ થવાની તૈયારીમાં હતી, પરંતુ છેલ્લી ઘડીએ સુરક્ષાકર્મીઓએ તેમને બેગ સાથે લઈ જવાની મંજૂરી આપી દીધી. આ ડિપ્લોમેટિક ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પર યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.
ઘટના શું બની?
મળતી માહિતી મુજબ જર્મનીના ફેડરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર સ્વેન્જા શુલ્ઝે ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળવા પહોંચ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમની સાથે એક અણધારી ઘટના બની હતી. વડાપ્રધાન ગૃહના પ્રવેશદ્વાર પર સુરક્ષાકર્મીઓએ શુલ્ઝેને તેની હેન્ડબેગ તપાસ માટે સોંપવા કહ્યું અને તેમને આ હેન્ડબેગ છોડીને પીએમને મળવા માટે કહેવામાં આવ્યું હતું. આના પર શુલ્ઝે બેગ આપવાનો ઇનકાર કરી દીધો અને પોતાની કાર તરફ પરત ફરવા લાગી હતી. આ રીતે એક મોટી ડિપ્લમૅટિક બેઠક અચાનક રદ થાય તે પહેલાં તેમને તેની હેન્ડબેગ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.
https://twitter.com/andikynast/status/1826321201058267592
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લોકોએ વિદેશી મહાનુભાવો પ્રત્યે પાકિસ્તાનની મહેમાનગતિ પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. શુલ્ઝેની સાથે થયેલ આ વ્યવહાર પર લોકોએ તેમની નારાજગી વ્યક્ત કરી અને ટીકા કરી છે. ઘણા લોકોએ કહ્યું કે, જો શુલ્ઝે પરત ફરવાનું નક્કી કર્યું હોત તો તેના કારણે પાકિસ્તાનમાં ચાલી રહેલી આર્થિક વાટાઘાટો પર નકારાત્મક અસર પડી શકી હોત.
યુઝર્સ કરી પાકિસ્તાનની ટીકા
એક સોશિયલ મીડિયા યુઝરે આ સ્થિતિની મજાક ઉડાવતા કહ્યું, "જો શુલ્ઝે પરત ફર્યા હોત તો પાકિસ્તાનની ભીખ માંગવાની વાટકી ખાલી રહી ગઈ હોત." અન્ય એક યુઝર્સે પાવર બેલેન્સ પર ટિપ્પણી કરતા કહ્યુ કે, તેઓએ તેમની શક્તિ અને અધિકારનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ શુલ્ઝે તેમને બતાવ્યું કે તેઓ તેમના માટે અપ્રસ્તુત છે. જો તેઓ તેમના નિયમો અનુસાર ન રમે, તો ખેલ જ નથી થતો. એટલા માટે તેઓએ નમવું પડ્યું, તેમની શક્તિનું પ્રદર્શન ઉલટું પડી ગયુ અને તેઓ શરમ અનુભવ્યા.
ડિપ્લમૅટિક મુલાકાત પર કલંક
આ ઘટનાએ ડિપ્લમૅટિક મુલાકાત પર કલંક લગાવી દીધો છે, જેનો ઉદ્દેશ્ય જર્મની અને પાકિસ્તાન વચ્ચે સહકારને મજબૂત કરવાનો હતો. આનાથી પાકિસ્તાની અધિકારીઓ દ્વારા વિદેશી મહાનુભાવો સાથેના વ્યવહાર પર સવાલો ઉભા થયા છે.
શાહબાઝ શરીફે જર્મન મંત્રીનું સ્વાગત કર્યું
જોકે, આ ભૂલ સુધાર્યા બાદ જર્મનીના મંત્રીએ પીએમ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પીએમ શાહબાઝ શરીફે પાકિસ્તાનના સામાજિક-આર્થિક વિકાસ માટે જર્મનીના લાંબા સમયથી સમર્થનની પ્રશંસા કરી. પ્રેસ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ (PID) દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલીઝ અનુસાર વડાપ્રધાને પાકિસ્તાન અને જર્મની વચ્ચેના પરસ્પર ફાયદાકારક વ્યાપારી અને આર્થિક સંબંધોની પ્રશંસા કરી અને પાકિસ્તાનના ઔદ્યોગિક વિકાસમાં જર્મનીની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી હતી.
પાકિસ્તાનના ઔદ્યોગિક વિકાસમાં જર્મનીની ભૂમિકા
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પાકિસ્તાન-જર્મની ભાગીદારીને તેના ગૌરવશાલી ભૂતકાળમાં પુનઃજીવિત કરવાની પાકિસ્તાનની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે સતત વિકાસ, આબોહવા પરિવર્તન ઘટાડવા અને આર્થિક વિકાસ માટે પાકિસ્તાનની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો અને તેમની સરકારની પ્રાથમિકતાઓમાં આર્થિક પુનરુત્થાન માટે હાથ ધરવામાં આવેલા માળખાકીય સુધારાઓને શેર કર્યા. આ મહત્વપૂર્ણ બેઠકમાં બન્ને દેશના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી, આયોજન પ્રધાન, આર્થિક બાબતોના મંત્રી, વાણિજ્ય મંત્રી અને IT રાજ્ય મંત્રીએ હાજરી આપી હતી.