- પાકિસ્તાનના કરાચીમાં બ્રેસ્ટ મિલ્ક બેંક બંધ
- બ્રેસ્ટ મિલ્ક બેંકને લઇ મૌલવીઓમાં હતો રોષ
- ઉગ્ર વિરોધ બાદ બ્રેસ્ટ મિલ્ક બેન્ક બંધનો નિર્ણય
પાકિસ્તાનના કરાચીમાં ખોલવામાં આવેલી પ્રથમ બ્રેસ્ટ મિલ્ક બેન્ક વિવાદો બાદ બંધ કરવામાં આવી છે. ધાર્મિક નેતાઓના એક વર્ગના સતત વિરોધ બાદ ડોક્ટરોએ બ્રેસ્ટ મિલ્ક બેન્કને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ધાર્મિક નેતાઓએ બ્રેસ્ટ મિલ્ક બેન્કને ગેર-ઇસ્લામિક ગણાવતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, જામિયા દારુલ ઉલૂમ કરાચી તરફથી મંજૂરી મળ્યા બાદ કરાચીમાં બ્રેસ્ટ મિલ્ક બેંક ખોલવામાં આવી હતી. તેને ડિસેમ્બરમાં ધાર્મિક મંજુરી મળી હતી, ત્યાર બાદ તેને જૂનમાં શરૂ કરવામાં આવી હતી. મિલ્ક બેંક ખોલતાની સાથે જ મંજુરી પાછી ખેંચી લેવામાં આવી હતી, ત્યારબાદ તેને બંધ કરવી પડી હતી. મૌલવીઓએ તેને બિન-ઇસ્લામિક ગણાવ્યા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
બાળકોના ભરણપોષણ માટે ખોલી હતી બેન્ક
નીષણાતોની એક ટીમ ઈસ્લામિક કાઉન્સિલ સાથે સુવિધાને ફરીથી ખોલવા માટે વાત કરી રહી છે. આ મિલ્ક બેંકની સ્થાપના સિંધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થ એન્ડ નિયોનેટોલોજી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. SICHN ના ડૉક્ટર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જમાલ રઝાએ જણાવ્યું હતું કે અકાળ બાળકોના જીવિત રહેવાની તકો વધારવા માટે માતાનું દૂધ એકમાત્ર રસ્તો છે. આવી સ્થિતિમાં, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે પરંતુ કેટલાક લોકો તેને સમજી શકતા નથી.
બ્રેસ્ટ મિલ્ક બેંક ખોલવાનો શું હતો હેતુ?
બ્રેસ્ટ મિલ્ક બેંકની સુવિધા સ્થાપવાનો હેતુ અકાળ બાળકોને બચાવવામાં મદદ કરવાનો છે. પાકિસ્તાનમાં આ ખાસ કરીને મહત્વનું બની જાય છે કારણ કે દેશમાં બાળમૃત્યુ દર ઘણો ઊંચો છે. પાકિસ્તાનમાં 1,000 નવજાત બાળકોમાંથી 39 મૃત્યુ પામે છે. આ દર દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી વધુ છે.
બ્રેસ્ટ મિલ્ક બેંકને લઇ શું હતો વિવાદ?
જામિયા દારુલ ઉલૂમ કરાચીએ ડિસેમ્બર 2023માં આ સુવિધાને મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો. આ સંદર્ભે એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. ઇસ્લામિક વિચારધારા પરિષદે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે તેને પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી. કાઉન્સિલના રિસર્ચ હેડ ઈનામુલ્લાહ કહે છે કે બાળકના પરિવારને ખબર હોવી જોઈએ કે દાતા કોણ છે જેથી ભવિષ્યમાં આવા પરિવારો વચ્ચે લગ્નનો મુદ્દો જટિલ ન બને. ઈનામુલ્લાહે કહ્યું કે તેઓ આના પર વધુ સારા પરિણામો મેળવવાની આશા રાખે છે.