- IMFની શરતો મુજબ પાકિસ્તાન દ્વારા ટેક્સમાં 40 ટકા સુધીનો વધારો કરાયો
- પાક. સરકારે પેકેજ્ડ દૂધ પર 18 ટકા ટેક્સ લાદ્યો , ડેરી પેદાશો મોંઘી થઈ ગઈ
- દૂધ વધુ મોઘું થવાને કારણે પાકિસ્તાનમાં હવે ફુગાવામાં અનિયંત્રિત ઉછાળો આવશે
પાકિસ્તાનની સરકાર દ્વારા પેકેજ્ડ દૂધ પર 18 ટકાનો ટેક્સ લાદવામાં આવતા હવે દૂધના ભાવ આસમાને પહોંચ્યા છે. આમઆદમી માટે દૂધ પાંચ ગણું મોંઘું થયું છે. હવે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા કરતા પાકિસ્તાનમાં ડેરી પેદાશો મોંઘી થઈ ગઈ છે.
કરાચીની સુપર માર્કેટમાં અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર (UHT) દૂધની કિંમત હવે લિટર દીઠ રૂ. 370 એટલે કે 1.33 ડૉલર થઈ છે. જ્યારે આર્મસ્ટ્રડમમાં તેનો ભાવ લિટરદીઠ 1.29 ડૉલર, પેરિસમાં 1.23 ડૉલર, મેલબોર્નમાં 1.08 ડૉલર થઈ છે. ગયા અઠવાડિયે નેશનલ બજેટમાં કરેલી નવા ટેક્સની જોગવાઈ મુજબ પેકેજ્ડ મિલ્ક પર 18 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે. અગાઉ દૂધ પર કોઈ પ્રકારનો ટેક્સ લદાયો ન હતો. ડચ ડેરી ઉત્પાદક રોયલ ફ્રીસલેન્ડ કેમ્પિના એન.વી. નાં સ્થાનિક એકમના પ્રવક્તા મુહમ્મદ નાસિરે કહ્યું હતું કે ટેક્સ લગાવ્યા પહેલા દૂધના ભાવમાં 25 ટકા સુધીનો વધારો થયો હતો. આ પછી દૂધના ભાવ વિયેટનામ અને નાઇજીરિયા જેવા વિકાસશીલ દેશોની સમાન હતા. IMFની શરતો મુજબ પાકિસ્તાન દ્વારા ટેક્સમાં 40 ટકા સુધીનો વધારો કરાયો છે.










