ભારે નુકસાન વેઠીને પણ જેમતેમ કરીને ચાલી રહેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈનના પાયલોટને ઉડ્ડયન પૂર્વે વિમાનની વિંડ સ્ક્રીન સાફ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિમાનનો પાયલોટ વિમાનની અંદરથી વિંડ સ્ક્રીન સાફ કરતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કાર અને ટ્રકની જેમ વિમાનની એક બારીમાંથી આગળ નીકળીને પાયલોટ વિમાનના કાચને બરાબર સાફ કરતો જોવા મળ્યો છે. આ વાયરલ વીડિયોને લઈ લોકોની ઘણી પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.
પાકિસ્તાન-સાઉદી અરબના જેદ્દાહ જતી ઈન્ટરનેશનલ ફલાઈટ એરબસ એ-330-200માં આ ઘટના બની હતી. આમાં પાયલોટે આગળની બાજુ જોવા જાતે જ વિમાનનો કાચ સાફ કર્યો હતો. આ વીડિયો સામે આવતા લોકોની ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પાકિસ્તાનની નાણાકીય કંગાળ સ્થિતિની મજાક ઉડાવી હતી. એક યુઝરે સોશિયલ મીડિયા એક્સ ઉપર લખ્યું કે, લાગે છે કે પાયલોટ પહેલા કેબ ડ્રાઈવર રહ્યો છે. જ્યારે એક યુઝરે પ્રવાસીઓની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ ગત બે વર્ષથી નુકસાન વેઠી રહી છે. ગત કેટલીક સરકારોએ પીઆઈએને વેચવાનો પ્રયાસ કર્યો પરંતુ રાજકીય કારણોથી એવું ન થઈ શક્યું. વિપક્ષના સભ્યોએ હજારો એરલાઈન કર્મચારીઓના બેરોજગાર થવાનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે રખેવાળ સરકારે આ યોજનાને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ચૂંટણી પંચે આ નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે.
પાકિસ્તાન સરકારનું કહેવું છે કે PIAની કુલ સંપત્તિનું મૂલ્ય 171.43 અબજ રૂપિયા છે. ખાનગીકરણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, PIA ની સંપત્તિ અને દેવા તેની હોલ્ડિંગ કંપની અને નવી હસ્તગત કરનાર કંપની વચ્ચે વહેંચવામાં આવશે.
સત્તાવાર જાણકારી અનુસાર, પીઆઈએ પર સરકારનો કુલ 161 અબજ રૂપિયા અને ખાનગી બેંકોનું 267 અબજ રૂપિયાનું દેવું છે. આ વ્યાજ અને મુદ્દલ પીઆઈએના અધિકાર ધરાવતી કંપનીને ટ્રાંસફર કરી દેવામાં આવશે. આગળ જણાવ્યું કે, પીઆઈએનું કુલ 171.43 અબજ રૂપિયાની સંપત્તિમાંથી 146.57 અરબ રૂપિયા નવી સંસ્થાને ટ્રાંસફર કરાશે. આ ઉપરાંત 24.86 અબજ રૂપિયાની સંપત્તિ આની સત્તાવાર કંપની પાસે રહેશે.













