પાકિસ્તાનના સૌથી અશાંત વિસ્તાર એવા ઉત્તર-પશ્ચિમી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં બુધવારે સવારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ એક પોલીસકર્મીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ પોલીસકર્મીની ઓળખ વકાર અહેમદ તરીકે કરાઈ છે. આ પોલીસકર્મી અફઘાનિસ્તાન સરહદ પાસે લક્કી મરવાત જિલ્લાના નવારખેલ ગામમાં તેની ઘર પાસે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જેથી પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
આ હુમલા પછી બંદૂકધારી ફરાર થવામાં સફળ રહ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી આરોપીને પકડવા સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
આંકડાઓ શું કહે છે?
આ દરમ્યાન પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં સતત વધારો જોવા મળ્યો છે. ઓગસ્ટ-2024માં કુલ 59 આતંકી હુમલા થયા હતા, જેમાં 84 લોકોનાં મોત થયા હતા. જ્યારે આની પહેલા જુલાઈમાં આવા 38 હુમલા થયા હતા. રિપોર્ટ અનુસાર, ઓગસ્ટમાં થયેલા કુલ 59 આતંકવાદી હુમલાની સાથે વર્ષ-2024માં કુલ હુમલાની સંખ્યા 325 થઈ છે.
ખૈબર પખ્તૂનખ્વામાં સૌથી વધુ હુમલા
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં સૌથી વધુ આતંકવાદી 29 હુમલા ખૈબર પખ્તૂનખ્વામાં થયા છે. ત્યારબાદ બલૂચિસ્તાનમાં 28 અને પંજાબ પ્રાંતમાં બે હુમલા થયા જેમાં 84 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત 166 ઈજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાન ક્રાઈમ રેકોર્ડના આંકડા પ્રમાણે વર્ષ-2006થી અત્યાર સુધી પાકિસ્તાનમાં 17,846 આતંકવાદી હુમલા થયા જેમાં 24,373 લોકોનાં મોત થયા, જ્યારે 48,085 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આતંકવાદીઓએ સરહદ વિસ્તારની ચોકી પર કર્યો હુમલો
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના 60થી વધુ આતંકવાદીઓએ અશાંત ખૈબર પખ્તૂનખ્વામાં એક બોર્ડર પર આવેલી ચોકીને ટાર્ગેટ બનાવી હતી. પરંતુ સુરક્ષાદળોએ તેઓને પાછળ ધકેલી દીધા હતા. આ દરમિયાન થયેલી ફાયરિંગમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 60થી વધુ આતંકવાદીઓ આધુનિક હથિયારો સાથે ધસી આવ્યા હતા. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું જેમાં બે આતંકવાદી ઘટનાસ્થળે મોતને ભેટયા હતા.