જાપાન દેશની સત્તા પક્ષના મુખ્ય હેડ કવાર્ટરમાં શનિવારે સવારે બોમ્બ હુમલા પછી નાસભાગ મચી ગઈ હતી. આ વિસ્ફોટનો અવાજ આવતા લોકો આમથી તેમ દોડવા લાગ્યા હતા. આ મુદ્દે એક શંકાસ્પદની અટકાયકત કરી લેવામાં આવી છે. આ શંકાસ્પદે બોમ્બ ફેંક્યા પછી તેની સામે કાર્યવાહી કરાઈ હતી. જો કે, રાહતની વાત એ હતી કે અત્યાર સુધી આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસે ઘટનાસ્થળે જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો હતો. 
 
મળતી માહિતી અનુસાર, આરોપીને સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આરોપીએ તેની કાર નજીકની વાડમાં ઘૂસાડી દીધી હતી. હુમલા પાછળનો હેતુ શું હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી શંકાસ્પદ ધિરાણ અને કરચોરીના કૌભાંડોને કારણે સામાન્ય લોકોમાં ઝડપથી લોકપ્રિયતા ગુમાવી રહી છે. પક્ષે પણ આ હુમલા અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. દેશની સંસદના નીચલા ગૃહ માટે 27 ઑક્ટોબરે મતદાન થવાનું છે. સત્તાધારી પક્ષે સત્તાવાર રીતે કેટલાક કલંકિત નેતાઓ પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું છે પરંતુ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

જાપાનના પૂર્વ PMની 2 વર્ષ અગાઉ એક હુમલામાં હત્યા થઈ હતી
જાપાનમાં 'લિબરલ ડેમોક્રેટ્સ' લાંબા સમયથી સત્તા પર છે. બીજા વિશ્વયુદ્ધના વિનાશમાંથી જાપાનને આર્થિક મહાસત્તા બનાવવામાં તેણે મોટી ભૂમિકા ભજવી હતી. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની વર્ષ-2022 માં હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ સંસદીય ચૂંટણીમાં શાસક પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરતા ભાષણ આપી રહ્યા હતા. હત્યારાએ હાથથી બનાવેલી બંદૂકનો ઉપયોગ કર્યો અને ગોળીબાર કરતા પૂર્વ પીએમ મોતને ભેટયા હતા.

  • Follow us on: