- હવાઈ હુમલામાં થયા હતા 700થી વધુ ઇઝરાયલી નાગરિકોના મોત
- મ્યુઝિક ફેસ્ટિવલમાં હમાસના આતંકીઓએ 250થી વધુ લોકોના જીવ લીધા
- ફેસ્ટિવલમાં નાચતા-ગાતા લોકો વચ્ચે આતંકીઓએ કર્યું હતું મોતનું તાંડવ
પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ દ્વારા શનિવારે ઇઝરાયલના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવેલ હવાઈ હુમલામાં 700થી વધુ ઇઝરાયલી નાગરિકોના મોત થયા છે. તો હમાસે અનેક લોકોને બંધક બનાવ્યા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. મીડિયાએ હુમલા દરમિયાન અનેક વિડીયોની સમીક્ષા કરી અને જીવતા બચી ગયેલા લોકો સાથે મુલાકાત પણ કરી.

સ્થાનિક નાગરિક માયા એલ્પરે ઇઝરાયલના ડેઝર્ટ મ્યુઝિક ફેસ્ટિવલમાં પોતાની ભયાનક દાસ્તાન કહી સંભળાવી. તેમણે જણાવ્યું કે તેઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત સ્વયંસેવકોની ટીમ સાથે કચરો એકઠો કરી રહી હતી. ખુલ્લા પાર્કમાં આયોજિત મ્યુઝિક ફેસ્ટિવલમાં હજારો લોકો નાચી-ગાઈ રહ્યા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ એર સાયરન્સના અવાજો આવવા લાગ્યા, જેને સાંભળીને 25 વર્ષીય એલ્પર દોડીને પોતાની કારમાં બેસી ગઈ.

સ્થાનિક લોકોએ આંખે જોયા ભયાનક દ્રશ્યો
એલ્પરે જણાવ્યું કે તેઓ કારમાં મેઇન રોડ તરફ ભાગવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ભીડને કારણે તે ભાગી શકી ન હતી. અચાનક તેણે ફટાકડાનો અવાજ સાંભળ્યો, જેણે રસ્તા પર અફરાતફરી મચાવી દીધી અને થોડી જ વારમાં રસ્તા પર મૃતદેહો વિખેરાઈ ગયા. તેણે કહ્યું કે આ અત્યાર સુધીનો સૌથી દર્દનાક નોવા ફેસ્ટિવલ હશે, જેને કોઈ ભૂલી શકે તેમ નથી.
એલ્પરે જણાવ્યું કે તેણે કેટલાય સ્થાનિક લોકોને પોતાની કારમાં શરણ આપી. તેમાંથી એકની પત્ની મોતને ભેટી ચૂકી હતી. જ્યારે બીજી યુવતીના મિત્રનું મોત થઈ ગયું હતું. ઘટનાનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું, 'અમે ક્યાંય સુરક્ષિત નહોતા. જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ ગોળીઓ અને વિસ્ફોટોના અવાજો વધતાં જ જઈ રહ્યા હતા. થોડે દૂર ગયા પછી અમે કારમાંથી ઉતરીને દોડવા લાગ્યા. ત્યારે, મને લાગ્યું કે ગોળી મારા કાનની નજીકથી પસાર થઈ છે. તેણીએ વધુમાં કહ્યું કે, હું નથી કહી શકતી કે આતંકવાદીઓમાં કેટલો આક્રોશ હશે. તે અમને માણસ તરીકે જોતાં જ નહોતા.
ટેવ અવીવમાં રહેતા અરીક નાની પોતાનો 26મો જન્મ દિવસ ઉજવવા માટે મ્યુઝિક ફેસ્ટિવલમાં ગયો હતો. તેણે પોતાનો અનુભવ વ્યક્ત કરતાં કહ્યું એ ખુલ્લા મેદાનમાં ભાગી રહ્યા હતા અને છુપાઈ ગયા હતા. આવી સ્થિતિમાં તમે સંભવ છે ખરાબ જગ્યાએ હોઇ શકો.
ફેસ્ટિવલમાં આવેલ અનેક લોકોને હમાસના આતંકીઓએ બંધક બનાવી દીધા હતા. તેમણે ઇઝરાયલી સેનાને ધમકી આપી હતી કે જો પેલેસ્ટાઇન પર હુમલો કર્યો તે તમામ નાગરિકોને મારવાનું શરૂ કરી દેશે.









