- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકી હુમલાને જઘન્ય ઘટના ગણાવી
- દુ:ખની ઘડીમાં ભારત રશિયાના પડખે ઊભું છે: નરેન્દ્ર મોદી
- મૉસ્કોમાં આતંકી હુમલામાં 70 લોકોનાં મોત, 145થી વધુ ઈજાગ્રસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના મૉસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. પીએમ મોદીએ કહ્યું કે આ દુ:ખની ઘડીમાં ભારત રશિયાના પડખે ઊભું છે. રશિયાની રાજધાની મૉસ્કોમાં એક હૉલમાં બંદૂકધારી આતંકીઓએ ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યાર સુધી 70 લોકોનાં મોત થયા છે જ્યારે 145 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે , " અમે મૉસ્કોમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિત પરિવારની સાથે છે. દુ:ખની આ ઘડીમાં ભારત રશિયાની સાથે છે. , "
મૉસ્કોમાં આતંકવાદી હુમલા બાદ જ્યાં કોન્સર્ટ ચાલી રહ્યો હતો તે થિયેટર બળીને રાખ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલો પિકનિક રોક બેન્ડના મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન થયો હતો. મૉસ્કો હુમલાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, પિકનિક રોક બેન્ડના કોન્સર્ટની શરૂઆતની થોડી મિનિટો પહેલા અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ પછી ચીસો પડવા લાગી અને લોકો પોતાનો જીવ બચાવવા નાસભાગ કરવા લાગ્યાં હતાં.
મળતી માહિતી અનુસાર, આ આતંકવાદીઓ પોતાની ઓળખ છુપાવવા માટે લશ્કરી ગણવેશમાં સજ્જ બેથી પાંચ લોકો, ઓટોમેટિક હથિયારોથી સજ્જ, કોન્સર્ટ હૉલમાં પ્રવેશ્યા અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેથી લોકો ટપોટપ ઘટનાસ્થળે મોતને ભેટયા હતા જ્યારે અન્ય લોકો દોડવા લાગ્યા હતા. આખું વાતાવરણ ચીસથી ગૂંજી ઉઠયું હતું.









