- ભારત ઝાકિર નાઇક વિરુદ્ધ પુરાવા આપે તો પ્રત્યાર્પણ કરવા પર વિંચાર કરીશું
- EDએ ઝાકિર નાઇક સામે ટેરર ફંડિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી
- EDએ નાઇકની 50 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ છે
મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે મંગળવારે સંકેત આપ્યો હતો કે, ભારત વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક વિરુદ્ધ પુરાવા આપે તો તેમની સરકાર તેને પ્રત્યાર્પણ કરવાની ભારતની વિનંતી પર વિચાર કરી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સમાં એક સત્ર દરમિયાન ઈબ્રાહિમે એમ પણ કહ્યું હતું કે, આ મુદ્દાને કારણે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ પર કોઈ અડચણ ઊભી થવી જોઈએ નહીં. એક ચોક્કસ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ભારતીય પક્ષે મંગળવારની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો ન હતો.
આ મુદ્દો ભારતીય પક્ષે ઉઠાવ્યો ન હતો
મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમે વધુમાં કહ્યું કે, સૌથી પહેલા તો આ મુદ્દો ભારતીય પક્ષે ઉઠાવ્યો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત ઘણા વર્ષો પહેલા ઉઠાવી હતી. પરંતુ મુદ્દો એ છે કે હું એક વ્યક્તિની વિશે વાત નથી કરી રહ્યો. હું ઉગ્રવાદની ભાવના વિશે વાત કરી રહ્યો છું. એક અનિવાર્ય કેસ અને પુરાવા વિશે વાત કરી રહ્યો છું, જે કોઈપણ વ્યક્તિ, જૂથ અથવા પક્ષો દ્વારા કરવામાં આવેલા અત્યાચારનો સંકેત આપે છે. જે કોઈપણ વ્યક્તિ, જૂથ અથવા પક્ષો દ્વારા કરવામાં આવેલા ગંભીર અપરાધને સાબિત કરે છે.
અમે આતંકવાદને પ્રોત્સાહન આપીશું નહીં
મલેશિયાના વડાપ્રધાને કહ્યું કે, કોઈપણ વિનંતી અને પુરાવા આપવામાં આવે તો તે ધ્યાનમાં લેવા તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે આતંકવાદને પ્રોત્સાહન આપીશું નહીં. આ અંગે અમારું વલણ સ્પષ્ટ છે અને અમે આતંકવાદ સામે આમાંથી ઘણા મુદ્દાઓ પર ભારત સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પરંતુ મને નથી લાગતું કે આ એક મામલાને કારણે આપણે વધુ સહયોગ અને અમારા દ્વિપક્ષીય સંબંધોને અટકાવવો જોઈએ.
ઝાકિર નાઇક પર શું છે આરોપ?
ઝાકિર નાઇક પર ભડકાઉ ભાષણ આપવા, મની લોન્ડરિંગ અને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. મે 2019માં EDએ ઝાકિર નાઇક સામે ટેરર ફંડિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે, એજન્સીએ અત્યાર સુધીમાં 193 કરોડ રૂપિયાની સંપત્તિની ઓળખ કરી છે, જેમાંથી 50 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ઝાકિર નાઇકને શંકાસ્પદ સ્ત્રોતોમાંથી ફંડિંગ મળ્યું હોવાનો EDનો દાવો
EDએ દાવો કર્યો હતો કે, 2003-04 અને 2016-17ની વચ્ચે ઝાકિર નાઇકને અજાણ્યા અને શંકાસ્પદ સ્ત્રોતોમાંથી 64 કરોડ રૂપિયાનું ફંડિંગ મેળવ્યું હતું. આમાંથી મોટા ભાગના ભંડોળનો ઉપયોગ 'પીસ કોન્ફરન્સ'ના આયોજન માટે કરવામાં આવ્યો હતો. એજન્સીએ એ પણ જણાવ્યું હતું કે, 2012થી 2016 દરમિયાન ઝાકિર નાઈકને પણ 49.20 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રકમ નાઇકના UAE બેન્ક ખાતામાં આવી હતી.
NIAએ પણ ચાર્જશીટ દાખલ કરી હતી
આ પહેલા ઓક્ટોબર 2017માં NIAએ પણ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં NIAએ ઝાકિર નાઇક પર ભડકાઉ ભાષણ આપવા અને યુવાનોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું કે, ઝાકિર નાઇકના વીડિયો જોઈને યુવાનો પ્રભાવિત થઈ રહ્યા છે અને તેમાંથી કેટલાક આતંકવાદી સંગઠનોમાં પણ જોડાઈ રહ્યા છે. એકંદરે ઝાકિર નાઇક પર કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.