• ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધને ત્રણ મહિના પૂર્ણ
  • હજારો લોકો બેઘર, સેંકડો લાપતા હોવાનો રિપોર્ટમાં ખુલાસો
  • ધનવાન દેશો પણ મદદથી મોં ફેરવ્યાંનું સામે આવ્યું


ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બ્રિટનમાં આવેલી એક ચેરિટી સંસ્થાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તાજેતરના ઈતિહાસમાં યુદ્ધમાં સૌથી વધુ મોત ગાઝામાં થયા છે. ગત ત્રણ મહિનામાં ઈઝરાયલ સતત ગાઝા પર હુમલા કરી રહ્યું છે. જેના લીધે ત્યાં અત્યાર સુધી 23 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

 રિપોર્ટ અનુસાર ઈઝરાયલી સૈન્ય દરરોજ સરેરાશ 250 પેલેસ્ટિયનને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આ આંકડા 21મી સદીમાં થયેલા તમામ યુદ્ધોમાંથી સૌથી વધુ માનવ મોતના આંકડાની સરખામણીમાં વધુ છે. સીરિયામાં રોજ 97 લોકોનાં મોત થઈ રહ્યા છે, જ્યારે સુડાનમાં 52, ઈરાકમાં 51, યુક્રેનમાં 24, અફઘાનિસ્તાન અને યમનમાં 16ની આસપાસ હતી.

પેલેસ્ટિયનને કોઈ સહાય નથી મળી રહી

બ્રિટનમાં આવેલી ચેરિટી સંસ્થાના રિપોર્ટમાં કહેવાયું છે કે યુદ્ધ દરમ્યાન પેલેસ્ટિયનની સ્થિતિ ખોરાકની અછતને લીધે ખરાબ થઈ છે. ઈઝરાયલના ભીષણ હુમલાઓને લીધે તેઓને માનવીય મદદ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે ગાઝા પટ્ટીમાં ભૂખમરો જેવી સ્થિતિ પેદા થઈ છે. લોકોને કડકડતી ઠંડીમાં સૂવામાં પણ તકલીફ થઈ રહી છે. એક તરફ ગાઝાના લોકોને ઈઝરાયલનો હુમલો સહન કરવો પડી રહ્યો છે તો બીજી તરફ લોકો ભોજનની તંગીને લીધે શારીરિક રીતે નબળા થતા જઈ રહ્યા છે.

માનવ અધિકાર વોચનો રિપોર્ટ

ગુરુવારે અમેરિકામાં આવેલા માનવ અધિકાર વોચે પોતાના રિપોર્ટ 2024 પ્રસિદ્ધ કર્યો છે. રિપોર્ટ અનુસાર ગાઝામાં સેંકડો મોત થયાનું સામે આવ્યું હતું. ગત એક વર્ષમાં ઈઝરાયલ અને પેલેસ્ટિયનોના મોટાપાયે ટાર્ગેટ મોત નોંધાઈ ચૂક્યા છે.

ગત સાત ઑક્ટોબરે શરૂ થયેલા યુદ્ધ બાદ ગાઝા પટ્ટીમાં મરનારની સંખ્યા 24 હજારની આસપાસ પહોંચી ગઈ છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોની સંખ્યા 60 હજારની આસપાસ થઈ છે. ગત 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં અત્યાર સુધી 112 લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે 194 લોકો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સિવાય સાત હજાર લોકો કાટમાળમાં દબાયેલા છે અથવા તો લાપતા થયા છે.

  • Follow us on: