બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશન અને ભૂખ તથા ગરીબી સામે લડાઈ વિષય પર જી-20ના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત નિર્ણયોને બ્રાઝિલની અધ્યક્ષતામાં આગળ વધારવામાં આવ્યા છે.


એ ખૂબ સંતોષજનક વાત છે કે આપણે એસડીજી લક્ષ્યોને પ્રાથમિકતા આપી. એ સ્પષ્ટ છે કે એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય આ શિખર સંમેલનમાં પણ એટલું જ પ્રાસંગિક છે જેટલું ગયા વર્ષે હતું. વડાપ્રધાને સંબોધનમાં કહ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં અમે 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે. 800 મિલિયન કરતાં વધારે લોકોને મફત ખાદ્યાન્ન આપવામાં આવી રહ્યું છે. 550 મિલિયન લોકો દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજનાનો લાભ લઈ રહ્યા છે. હવે 70 વર્ષ કરતાં વધારે ઉંમરના 60 મિલિયન વરિષ્ઠ નાગરિક પણ મફત આરોગ્ય વીમાનો લાભ લઈ શકશે. ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યું છે. અમે તાજેતરમાં જ મલાવી, ઝામ્બિયા, ઝિમ્બાબ્વેને માનવીય સહાયતા પૂરી પાડી છે. વડાપ્રધાને કહ્યું કે અમે ભૂખ, ગરીબી સામે વૈશ્વિક ગઠબંધન માટે બ્રાઝિલની પહેલનું સમર્થન કરીએ છીએ.

ખાદ્ય, ઈંધણ અને ફર્ટિલાઇઝર સંકટથી ગ્લોબલ સાઉથ પ્રભાવિત

સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે,હું એ કહેવા ઇચ્છીશ કે વૈશ્વિક સંઘર્ષોના કારણે ખાદ્ય, ઈંધણ અને ફર્ટિલાઇઝર સંકટથી ગ્લોબલ સાઉથના દેશ સૌથી વધારે પ્રભાવિત છે. તેથી આપણી ચર્ચા ત્યારે જ સફળ થઈ શકશે જ્યારે આપણે ગ્લોબલ સાઉથના પડકારો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીશું.

પીએમ મોદીએ સોમવારે જી20 શિખર સંમેલન દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને મળ્યા હતા અને તેમની સાથે ટૂંકી વાતચીત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આ તેમની પ્રથમ મુલાકાત હતી. જોકે, એ જાણવા નથી મળી શક્યું તે બંને નેતા વચ્ચે શી વાતચીત થઈ હતી.


  • Follow us on: