• સુનકઃ ટેક્સ કપાતની સ્કીમથી લાખો લોકોનું દુઃખ દૂર થશે
  • સર્વેમાં ઋષિ સુનક લિઝ ટ્રસથી પાછળ છે
  • ટ્રસે ઋષિ સુનક પર મેન્સ્પ્લેનિંગ આરોપ લગાવ્યો છે

કન્ઝર્વેટિવ પાર્ટીના 1,75,000 સભ્યોએ પાર્ટીના આગામી નેતા અને વડાપ્રધાન તરીકે ઋષિ સુનક અથવા લિઝ ટ્રસને પસંદ કરવા માટે તેમના પોસ્ટલ બેલેટ્સ પ્રાપ્ત કર્યા. બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસથી પાછળ રહેલા ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ ઋષિ સુનકે હવે ટેક્સ ઘટાડવા માટે સંમતિ દર્શાવી છે. તેમણે આગામી સાત વર્ષમાં વ્યક્તિગત કર 20 ટકા ઘટાડવાનું વચન આપ્યું છે. ઋષિ સુનકના મતે આ ટેક્સ કપાત છેલ્લા ત્રણ દાયકામાં સૌથી વધુ હશે.

ઋષિ સુનકે એક જાહેર સભા દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું કે, સૌ પ્રથમ, તેઓ ક્યારેય પણ આ રીતે ટેક્સ ઘટાડશે નહીં, જેનાથી માત્ર મોંઘવારી દરમાં વધારો થાય. ઉપરાંત, તે એવું કોઈ વચન પણ નહીં આપે, જેને તે પૂરું ન કરી શકે. અને ત્રીજું, બ્રિટન જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેના વિશે તે હંમેશા પ્રમાણિક રહેશે. ઋષિ સુનકે અગાઉ ટ્રસ દ્વારા ટેક્સ કાપના વચનને કાલ્પનિક અર્થશાસ્ત્ર તરીકે વર્ણવ્યું હતું. જો કે, સુનાક દ્વારા ટેક્સ ઘટાડવાના વચન પછી, લિઝના સમર્થકોએ તેને પલટુ ગણાવ્યો છે.

ટ્રેઝરી ચીફ સેક્રેટરી સિમોન ક્લાર્ક અને ટ્રસના મુખ્ય સહાયકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે હવે જે પરિવારોને સહાયની જરૂર છે તેમને મદદ કરવા માટે અમે રાહ જોઈ શકતા નથી." તેમણે ઉમેર્યું કે, લિઝ સાત અઠવાડિયામાં ટેક્સમાં ઘટાડો કરશે, સાત વર્ષમાં નહીં. લિઝ ટ્રુસની ટીમના અન્ય એક સભ્યએ નામ ન આપવાની શરતે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ઋષિ સુનકનો યુ-ટર્ન કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો જોઈ અને સમજી રહ્યા છે. હવે ઋષિ સુનકનું આ વચન પરિણામ પર બહુ અસર નહીં કરે.

ટ્રસ ઋષિની આગળ ચાલી રહી છે

YouGov દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, લિઝ ટ્રસને પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક કરતાં 24 પોઈન્ટની લીડ છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશ સચિવે ટેક્સ, યુક્રેનથી લઈને ચીન અને મોંઘવારી સુધી ચર્ચામાં સામેલ દરેક ક્ષેત્રમાં સુનકને પાછળ રાખી દીધો છે. સર્વે મુજબ પાર્ટીના 31 ટકા સભ્યો હાલમાં ઋષિ સુનકના પક્ષમાં છે. જ્યારે 49 ટકા લોકો લિઝ ટ્રસને મત આપવા માગે છે. હાલમાં 15 ટકા સભ્યોએ હજુ નક્કી કર્યું નથી કે, તેઓ કોને મત આપશે. તે જ સમયે, 6 ટકા સભ્યો મતદાનથી દૂર રહેશે.