- યુક્રેનની રાજધાની કિવ પર રશિયાનો મિસાઈલ એટેક
- રશિયાએ હાઇપરસોનિક અને બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો
- યુક્રેનના હવાઈ સંરક્ષણ દળોએ મિસાઈલો તોડી પાડી
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ગુરુવારે વહેલી સવારે રશિયાએ ફરી એકવાર યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલ દ્વારા હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે. તો આ હુમલામાં અનેક રહેણાંક ઇમારતો અને ઔદ્યોગિક સંસ્થાઓને નુકસાન થયું હતું.

કહેવામાં આવી રહયું છે કે યુક્રેને પણ જવાબી કાર્યવાહી કરી છે જેને કારણે રાજધાની કિવમાં સવારે પાંચ વાગ્યાના અરસામાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. તો, હવાઈ હુમલાનું એલર્ટ સવારે 6.10 કલાકે ખતમ થયું હતું. એક મીડિયા અહેવાલ અનુસાર, તાજેતરના સપ્તાહોમાં યુક્રેનની રાજધાની પર થયેલ હુમલાઓમાં સૌથી મોટો હવાઈ હુમલો હતો, જોકે, હજુ સુધી કેટલું નુકસાન થયું છે તેની જાણકારી નથી મળી રહી.
મિસાઈલોના કાટમાળને કારણે લાગી આગ
યુક્રેનની સેનાના જણાવ્યા પ્રમાણે કહ્યું કે રશિયાએ હાઇપરસોનિક અને બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. કિવના કાઉન્સિલર વિતાલી ક્લિટ્સ્કોએ કહ્યું કે હવાઈ સંરક્ષણ દળોએ જવાબી કાર્યવાહી કરી અને મિસાઈલો તોડી પાડી હતી. આ મિસાઇલોનો કાટમાળ શહેરના વિવિધ ભાગોમાં પડ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછી ત્રણ રહેણાંક ઇમારતો અને પાર્કિંગ એરિયામાં આગ લાગી હતી. હુમલાની અગાઉથી ઇમરજન્સી સેવાઓને એલર્ટ કરી દેવામાં આવી હતી.
સૈન્ય સહાયની જરૂરિયાત
મહત્વનું છે કે, યુક્રેનની રાજધાની કિવ પર આ એર સ્ટ્રાઈક એવા સમયે કરવામાં આવી છે જ્યારે રશિયન સેના 600 માઈલથી વધુની સીમા રેખા સાથે અનેક સ્થળો પર જમીની હુમલા કરતી આગળ વધી રહી છે. હુમલાના એક દિવસ પહેલા બુધવારે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે દેશને હુમલાથી બચાવવા માટે લશ્કરી સહાયની ખૂબ જ જરૂરિયાત છે.