ચીનના સંરક્ષણ મંત્રાલય દ્વારા સોમવારે આ મહિને રશિયા સાથે સંયુક્ત નૌકા અને હવાઈ અભ્યાસની જાહેરાત કરવામાં આવી હતી. ચીન દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત દર્શાવે છે કે બંને દેશો વચ્ચે કેવા સંબંધો છે. ત્યારે ચીનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'નોર્ધન યુનાઈટેડ-2024' કવાયત જાપાનના સમુદ્ર અને દૂર ઉત્તરમાં સ્થિત ઓખોત્સ્કના સમુદ્રમાં થશે, પરંતુ તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી નથી. આ દરમિયાન રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે.


ઉદ્દેશ્ય વ્યૂહાત્મક સહકાર સુધારવાનો છે

ચીનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નૌકાદળ અને હવાઈ કવાયતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ સુધારવા અને સુરક્ષા જોખમોનો સંયુક્ત રીતે સામનો કરવાની તેમની ક્ષમતાને મજબૂત કરવાનો છે. મંત્રાલયના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બંને નૌકાદળ પાંચમી વખત પેસિફિક મહાસાગરમાં એકસાથે ઉતરશે અને રશિયાના 'ગ્રેટ ઓશન-24' કવાયતમાં સાથે ભાગ લેશે.

પુતિનને ઉશ્કેરવા માટે યુએસ અને નાટો જવાબદાર!

ચીને યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલાની ટીકા કરવાનો ઇનકાર કર્યો હતો. યુદ્ધ હવે ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે ચીને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ઉશ્કેરવા માટે યુએસ અને નાટોને જવાબદાર ઠેરવ્યા છે. ચીને રશિયાને સીધા કોઈ શસ્ત્રો આપ્યા નથી, પરંતુ રશિયન તેલ અને ગેસના સૌથી મોટા ખરીદદાર તરીકે તે આર્થિક સુરક્ષાની દૃષ્ટિએ મોસ્કો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દેશ બની ગયો છે.

રશિયા અને ચીન વચ્ચે મિત્રતા

ગત જુલાઈમાં જ રશિયા અને ચીને સંયુક્ત સૈન્ય અભ્યાસ હાથ ધર્યો હતો, ત્યારે નાટો દેશોએ આ સૈન્ય અભ્યાસની ટીકા કરી હતી. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે યુક્રેન યુદ્ધમાં રશિયાને ચીનની મદદ મળી રહી છે. બીજી તરફ રશિયા પર યુક્રેનના વધતા હુમલા વચ્ચે બે મહિનામાં બીજી વખત લશ્કરી કવાયતની જાહેરાતથી પશ્ચિમી દેશો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ સિવાય રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયા અને ચીન વચ્ચે મિત્રતા વધી હોવાનું જોવા મળે છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે લશ્કરી અને આર્થિક સહયોગ વધ્યો છે. બંને દેશો પશ્ચિમી દેશોની વિરુદ્ધ છે અને ખાસ કરીને અમેરિકાને નફરત કરે છે.

  • Follow us on: