• રશિયા અને યૂક્રેનના યુદ્ધનો આજે આઠમો દિવસ

  • રશિયન સૈન્યએ મોટા શહેર ખેરસોન પર કબજો કર્યો

  • યૂક્રેનના 15 શહેરો પર હવાઈ હુમલાની ચેતવણી

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પુતિનની સેનાને આઠમા દિવસે મોટી સફળતા મળી. યૂક્રેનનું પ્રથમ મોટું શહેર ખેરસોન હવે રશિયન સેનાના કબજામાં છે. ત્યાંના મેયરે આ વાતની પુષ્ટિ કરી. ખેરસોનના મેયરે સ્થાનિક લોકોને રશિયન સેનાના આદેશનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન, રશિયન સેના રાજધાની કિવ પર જોરદાર હુમલાઓ કરી રહી છે અને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

કિવના દક્ષિણ પ્રદેશોમાં પરિસ્થિતિ તંગ: ખેરસોનના મેયર

કિવ ઈન્ડિપેન્ડન્ટે ખેરસોનના મેયર ઈગોર કોલ્યાખેવને ટાંકીને જણાવ્યું હતું કે રશિયન સૈનિકોએ શહેરમાં પ્રવેશ કરીને વહીવટી ઈમારતો પર કબજો જમાવ્યો હોવાથી દક્ષિણ પ્રાદેશિક રાજધાનીમાં પરિસ્થિતિ તંગ છે.

રાજધાની કિવ પર રશિયન સેનાના હુમલા સતત ચાલુ છે. આ દરમિયાન અમેરિકાએ ચેતવણી જારી કરીને કહ્યું કે રશિયા ધીમે ધીમે 'યૂક્રેનને કબજે કરવાના મિશન' પર આગળ વધી રહ્યું છે.

યુક્રેનની રાજધાની કિવમાં ડ્રુઝ્બી નારોદિવ મેટ્રો સ્ટેશન પાસે વિસ્ફોટ

કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ અનુસાર, કિવના ડ્રુઝ્બી નારોદિવ મેટ્રો સ્ટેશન નજીક ત્રીજો અને ચોથો વિસ્ફોટ સંભળાયો હતો. એક અન્ય અહેવાલમાં કિવ ઈન્ડિપેન્ડન્ટે દાવો કર્યો છે કે રશિયાએ રોકેટ છોડ્યા છે જેનો કાટમાળ રેલવે સ્ટેશન પાસે પડ્યો છે. રશિયન રોકેટ કથિત રીતે રક્ષા મંત્રાલયને નિશાન બનાવવા માટે છોડવામાં આવ્યું હતું, જેને યુક્રેનિયન એર ડિફેન્સ સિસ્ટમે તોડી પડ્યું હતું, જેનો કાટમાળ કિવના મુખ્ય ટ્રેન સ્ટેશન નજીક પડ્યો હતો.

15 શહેરો પર એર સ્ટ્રાઈકની ચેતવણી

કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ અનુસાર, કિવ અને કિવ ઓબ્લાસ્ટ, માયકોલાઈવ, લ્વિવ, જાઈટોમિર, ઇવાનો ફ્રેંકીવસ્ક, ચેર્નીહાઈવ અને ચેર્નીહાઈવ ઓબ્લાસ્ટ, વોલિન ઓબ્લાસ્ટ, ચર્કાસી ઓબ્લાસ્ટ, કિરોવોહદ ઓબ્લાસ્ટ, પોલ્ટાવા ઓબ્લાસ્ટ, ખમેલનીત્સ્કી ઓબ્લાસ્ટ, જાપોરિજીયા અને ઓડેસામાં એર સ્ટ્રાઈકની ચેતવણી આપવામાં આવી છે.

  • Follow us on: