રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને ફરી એકવાર ભારતની પ્રશંસા કરી છે. પુતિને ભારતને એક મહાન દેશ ગણાવ્યો છે અને તેને વૈશ્વિક મહાસત્તા ગણવાની તરફેણ કરી છે.


પુતિને કહ્યું કે કોઈ અન્ય દેશની તુલનામાં ભારત ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યો છે. આર્થિક વિકાસના મામલે તે મોટી ઇકોનોમી વચ્ચે અડીખમ ઊભો છે. તેની GDP 7.4 ટકાના દરે વધી રહી છે. આથી તેને વૈશ્વિક મહાસત્તાની યાદીમાં મૂકીને મહાસત્તા ગણવો જોઈએ. પુતિને રશિયાનાં સોચી શહેરમાં વલ્દાઈ ડિસ્કશન ક્લબમાં સંબોધન વખતે ઉપર મુજબની વાત કરી હતી. તેમણે ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી હતી અને વૈશ્વિક ક્ષેત્રે ભારતના વિકાસને અદ્વિતીય ગણાવ્યો હતો.

ભારતને મહાસત્તાના લિસ્ટમાં મૂકવું જોઈએ

પુતિને કહ્યું કે રશિયા અનેક મોરચે ભારત સાથે તેનાં સંબંધો મજબૂત કરી રહ્યું છે. ભારતને મહાસત્તાઓની યાદીમાં મૂકવું જોઈએ. ભારત નિઃસંદેહ રીતે તેની 150 કરોડની વસ્તી તેમજ દુનિયાની તમામ ઇકોનોમીમાં સૌથી ઝડપી વિકાસ કરી રહ્યો છે. તેની પ્રાચીન સંસ્કૃતિનાં જતન સાથે વિકાસની અનેક ગણી સંભાવના ધરાવે છે. આથી તેને મહાસત્તાની યાદીમાં મૂકવું જોઈએ.

ભારતની ચીન સાથે તંગદિલી અંગે પુતિને શું કહ્યું?

ભારતની ચીન સાથે તંગદિલી અંગે પુતિને કહ્યું કે બંને દેશો વચ્ચે હાલ તંગદિલી પ્રવર્તે છે. અમારા ભારત સાથેનાં સંબંધો સોવિયેત સંઘ વખતના વર્ષો જૂના છે જે દર વર્ષે વધુ મજબૂત થઈ રહ્યા છે. સોવિયેત સંઘે ભારતની આઝાદીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ચીન અને ભારતના સંબંધો અંગે પુતિને કહ્યું કે બુદ્ધિમાન અને સક્ષમ લોકો પોતાનાં દેશનાં ભવિષ્યને ધ્યાનમાં લઈને સમજૂતીની શોધમાં છે જેને તે મેળવીને જ રહેશે. જો આ સમજ કેળવાશે તો સમાધાન શોધી શકાશે અને સંબંધો સુધારી શકાશે.


  • Follow us on: