યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રવિવાર (22 સપ્ટેમ્બર)થી અમેરિકાના પ્રવાસ પર છે, જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડેનને રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે એક યોજના રજૂ કરવા જઈ રહ્યા છે. ઝેલેન્સ્કી તેની વિજય યોજના વિશે ખૂબ જ ઉત્સાહિત લાગે છે, તેણે એવો દાવો પણ કર્યો છે કે, રશિયા સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે.


રશિયાએ યુક્રેનના પોલ્ટાવા અને ઝાપોરિઝિયાને નિશાન બનાવ્યા

ઝેલેન્સ્કી યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે રશિયાએ અમેરિકાની મુલાકાત દરમિયાન યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. સોમવારે રશિયાએ યુક્રેનના પોલ્ટાવા અને ઝાપોરિઝિયાને નિશાન બનાવ્યા હતા. જ્યારે મંગળવારે રશિયાએ ખારકીવમાં ગાઈડેડ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા.

રશિયાએ ખારકીવ પર બોમ્બમારો કર્યો

રશિયાએ મંગળવારે ખારકીવમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ અને બેકરી પર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં ત્રણના મોત અને 34 ઘાયલ થયા. કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની પણ આશંકા છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે. ખારકીવના મેયરે ટેલિગ્રામ ચેનલ પર માહિતી આપી છે કે, રશિયાએ ગાઈડેડ બોમ્બ દ્વારા ખારકીવ જિલ્લાના 4 શહેરોને નિશાન બનાવ્યા છે. જો કે, આમાંથી કેટલાક બોમ્બ ખાલી વિસ્તારોમાં પડ્યા છે જેના કારણે ઓછું નુકસાન થયું છે.

2 વર્ષ પહેલા પણ આ ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી

આ રશિયન હુમલામાં 9 માળના એપાર્ટમેન્ટને ભારે નુકસાન થયું છે. ઈમારતના ઘણા માળ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયા છે. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયાએ આ ઈમારતો પર સીધો બોમ્બ ફેંક્યો છે. મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરી 2022માં જ્યારે રશિયાએ હુમલો કર્યો ત્યારે આ ઈમારતને પણ નિશાન બનાવવામાં આવી હતી. ખારકીવના મેયર તેરેખોવના જણાવ્યા અનુસાર આ ઈમારતને થોડા સમય પહેલા રિનોવેશન કરવામાં આવ્યું હતું અને ઈમારતના જે ભાગમાં સૌથી વધુ નુકસાન થયું હતું તેમાં 82 લોકો રહેતા હતા.

ઝેલેન્સકીએ રશિયા પર આકરા પ્રહારો કર્યા

ખારકીવમાં રશિયન હુમલાને લઈને ઝેલેન્સકીએ રશિયાને આતંકવાદી ગણાવીને નિશાન સાધ્યું અને કહ્યું કે, રશિયન બોમ્બ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. રશિયન હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, UNGAમાં સુરક્ષા અને ભવિષ્ય માટે સામૂહિક પ્રયાસો પર ઘણી ચર્ચા થઈ છે, પરંતુ આપણે સુરક્ષિત રહેવા માટે અને ભવિષ્ય માટે રશિયાના આ આતંકને રોકવો પડશે.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાના સંબોધનમાં ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધને માત્ર વાતચીતના આધારે રોકી શકાય નહીં, મોસ્કોને શાંતિ માટે દબાણ કરવું પડશે.

  • Follow us on: