- પરમાણું પ્લાન્ટ ઉપર 8 ઓગસ્ટ અને 20 ઓગસ્ટે સૌથી વધુ ડ્રોન જોવા મળ્યા હતા
- ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર નો-ફ્લાય ઝોનનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે
- પશ્ચિમ જર્મનીના ગિલેનકિર્ચનમાં નાટોના સૈન્ય મથક પર સુરક્ષા વધારવામાં આવી
જર્મનીના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને સંવેદનશીલ વિસ્તારોમાં રશિયન ડ્રોન જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ 8 ઓગસ્ટ અને 20 ઓગસ્ટે સૌથી વધુ ડ્રોન જોવા મળ્યા હતા. અધિકારીઓએ ઉત્તર જર્મનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં જોવા મળેલ ડ્રોનની તપાસ શરૂ કરી છે.
ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર નો-ફ્લાય ઝોનનું વારંવાર ઉલ્લંઘન
મળતી માહિતી અનુસાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર નો-ફ્લાય ઝોનનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 8 ઓગસ્ટથી ડ્રોન જોવા મળી રહ્યા છે, જેમાં એક ડ્રોને 20 ઓગસ્ટના રોજ 100 કિમી/કલાકની ઝડપે ઉડાન ફરી હતી. એવી શંકા છે કે આ ડ્રોન રશિયા દ્વારા બનાવવામાં આવેલ ઓરલાન-10 મોડલ છે, જે તેની લાંબા અંતરની ક્ષમતા માટે જાણીતું છે.
NATOએ જાહેર કર્યુ 'ચાર્લી ટુ' એલર્ટ
અધિકારીઓ સંભવિત જાસૂસી સહિત ઘણા પાસાઓની તપાસ કરી રહ્યા છે, પરંતુ સુરક્ષાના કારણોસર વધુ માહિતી આપવામાં આવી નથી. જ્યારે પશ્ચિમ જર્મનીના ગિલેનકિર્ચનમાં નાટોના સૈન્ય મથક પર સુરક્ષા વધારીને ચાર્લી ટુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓપરેશનમાં સામેલ ન હોય તેવા બધા કર્મચારીઓને સાવચેતીના પગલા તરીકે ઘરે મોકલી દેવામાં આવ્યા છે. જર્મનીમાં પણ આ એલર્ટની માહિતી મળી છે. ખાસ વાત એ છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં જર્મનીમાં ત્રણ જગ્યાએ તોડફોડની ઘટનાઓ નોંધાઈ છે. હવે રશિયાના ડ્રોન જોયા મળ્યા બાદ અધિકારીઓને આ તોડફોડની ઘટનાઓ અંગે શંકા ગઈ છે.
ઓર્લાન-10 ડ્રોન કેટલું ખતરનાક છે?
રશિયાનું ઓરલાન-10 ડ્રોન યુક્રેન યુદ્ધમાં ઘણું મદદગાર સાબિત થયું છે. એક રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનમાં સેંકડો ઓરલાન-10 ડ્રોનનો ઉપયોગ કર્યો છે. આ ડ્રોન તેની લાંબા અંતરની ક્ષમતા માટે જાણીતું છે, તે સરળતાથી લક્ષ્યોને શોધવામાં સક્ષમ છે. ટાર્ગેટની જાણ થતાં જ રશિયન સેના 3થી 5 મિનિટમાં હુમલો કરી શકે છે, જ્યારે સામાન્ય રીતે આવા હુમલા કરવામાં 20થી 30 મિનિટનો સમય લાગે છે. આમાં એરિયલ ફોટોગ્રાફી, થર્મલ ઇમેજિંગ અને વીડિયો કેમેરા માટે કેનન EOS-D શ્રેણીના કેમેરાનો સમાવેશ થાય છે.
શું રશિયા યુક્રેનના હુમલાનો બદલો લઈ રહ્યું છે?
ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આરોપ લગાવ્યો હતો કે, યુક્રેનની સેનાએ કુર્સ્કમાં પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ માહિતી IAEAને આપવા અને તપાસ ટીમ મોકલવાની પણ માહિતી આપી હતી. આ પહેલા રશિયા નાટો દેશો પર યુક્રેનને મદદ કરવાનો આરોપ લગાવતું રહ્યું હતું. આવી સ્થિતિમાં, શું એવું માની શકાય કે જર્મનીના પરમાણુ પ્લાન્ટની નજીક દેખાયા રશિયાના ડ્રોન બદલો લેવાના કૃત્યનો ભાગ હોઈ શકે છે? રશિયામાં યુક્રેનની સેના જે રીતે આગળ વધી રહી છે તેના પરથી માની શકાય છે કે, પુતિન બદલો લેવા માટે કોઈ મોટું પગલું ભરી શકે છે.