ચીન અને ભારત વચ્ચે LACને લઇને સમજૂતી થઇ છે. જે બાદ હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યુ કે બંને દેશો 2020 જેવા પેટ્રોલિંગ પર પરત ફરશે. સાથે જ તેમણે કહ્યું કે ભારત અને ચીનની સરહદ વચ્ચે ફરી એકવાર કેવી રીતે પેટ્રોલિંગને લઇને સહમતિ બની.


એસ. જયશંકરે શું કહ્યું ? 

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય અને ચીની સૈનિકો ફરી એકવાર તે રીતે પેટ્રોલિંગ શરૂ કરી શકશે જેવી રીતે તેઓ મે 2020માં સરહદી તણાવ શરૂ થયા પહેલા કરતા હતા. વિદેશ મંત્રી એસ જયશંકર પહેલા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જાહેરાત કરી હતી કે ભારત અને ચીન હિમાલયમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ શરૂ કરશે. અહેવાલ મુજબ આ કરાર ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે સંબંધિત છે. આ પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે અને બંને દેશો તેમના સૈનિકોને પાછા હટાવવાનું શરૂ કરશે.

2020ની સ્થિતિમાં પરત ફરશે

  • પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટ દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે. આ દરમિયાન આ મહત્વની સમજૂતી થઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું અમારી વચ્ચે પેટ્રોલિંગ પર સહમતિ થઇ છે. અમે એક સમજૂતી પર પહોંચ્યા છીએ અને બંને દેશો વચ્ચે જેવી સ્થિતિ 2020માં હતી અમે તેની પરજ પરત ફરીશું. વિદેશ મંત્રી જયશંકરે કહ્યુ કે બંને દેશો વચ્ચે વર્ષ 2020 પછી ઘણા કારણોસર તણાવ ઉભો થયો. તેમણે આપણને બ્લોક કરી દીધા હતા અને આપણે તેઓને બ્લોક કર્યા હતા. પરંતુ હવે ફરી એકવાર એક સમજૂતી પર પહોંચ્યા છીએ.
  • હવે બંને દેશ વચ્ચે સમજૂતી કેવી રીતે થઇ તે વિશે એસ. જય શંકરે કહ્યું કે આ સમજૂતી ધૈર્ય અને કૂટનીતિને કારણે થઇ. તેમણે કહ્યું કે ઘણી વખત ચીન સાથે વાત કરવામાં ઘણા લોકોએ લગભગ હાર માની લીધી. પરંતુ અમે સપ્ટેમ્બર 2020થી ચીન સાથે વાત કરી રહ્યા છીએ. અમે ચીન સાથેની વાટાઘાટોની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ધીરજ રાખી.
  • આ સમજૂતીના મહત્વ વિશે વાત કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, સૌથી મહત્વની વાત એ છે કે જો બંને દેશો વચ્ચે સમજૂતી થાય છે, તો તે બંને દેશો વચ્ચેની ઘણી સમજૂતીઓનો આધાર બની જાય છે. તે સરહદ પર શાંતિને્ આધાર પણ બનાવે છે. તેમણે કહ્યું કે જો બંને દેશો વચ્ચે સરહદ પર શાંતિ નહીં હોય તો દ્વિપક્ષીય સંબંધો કેવી રીતે સુધરશે. ચીન અને ભારત વચ્ચેના વેપારને લઈને વિદેશ મંત્રીએ કહ્યું કે LAC પર આ સમજૂતી હમણાં જ થઈ છે જેથી હું કહી શકતો નથી કે આ સમજૂતીને કારણે વેપાર પર પણ અસર પડશે.

શું હતો વિવાદ?

 ચીન અને ભારત વચ્ચે સરહદને લઇને બીજિંગમાં 29 ઓગષ્ટે બેઠક થઇ હતી. બંને દેશો વચ્ચે એલએસીને લઇને શરૂ થયેલા વિવાદ પર સમાધાન કાઢવા માટે અને મતભેદોને પૂર્ણ કરવા માટે ચર્ચા થઇ. આ પહેલા વિદેશ મંત્રીએ 12 સપ્ટેમ્બરને જિનેવામાં એક સમિટ દરમિયાન કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે વિવાદનું 75 ટકા સમાધાન નીકળી ગયું છે.

વર્ષ 2020માં ગલવાનમાં ચીન અને ભારત વચ્ચે અથડામણ થઈ હતી. જૂન મહિનામાં ગલવાનમાં થયેલી આ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જ્યારે 40 ચીની સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. ગલવાનમાં આ અથડામણ બાદ બંને દેશોના સંબંધો પર ખરાબ અસર પડી હતી.

  • Follow us on: