- અંજુએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા
- પાકિસ્તાનથી પોતાના પ્રેમી માટે ભારત આવેલી સીમાએ અંજુની કહાની પર ટિપ્પણી કરી
- ભારત એક એવો દેશ છે જ્યાં એક વ્યક્તિ બધું જ કરી શકે છે: સીમા
સીમા હૈદર અને સચિનનની લવ સ્ટોરી વચ્ચે અંજુએ પાકિસ્તાન પહોંચીને તેના ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. અંજુએ લગ્ન પહેલા ધર્મ બદલી નાખ્યો હતો અને ઇસ્લામ સ્વીકારીને પોતાનું નામ ફાતિમા રાખ્યું છે. હાલ બંને દેશમાં આ ચર્ચાઓએ જોર પકડ્યું છે. નિકાહનામાના સોગંદનામામાં, અંજુએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ઇસ્લામ અપનાવવાની અને નસરુલ્લાહને તેનો કાયદેસર પતિ માનવાની વાત કરી છે.
ત્યારે હવે પાકિસ્તાનથી પોતાના પ્રેમી માટે ભારત આવેલી સીમાએ અંજુની કહાની પર ટિપ્પણી કરી છે. તેણે કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જ્યાં મનુષ્ય બધું જ કરી શકે છે. સીમા હૈદર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને નેપાળ થઈને ભારત આવી છે અને એટીએસ સરહદ પર પૂછપરછ કરી રહી છે.
અંજુ પર સીમા હૈદર શું બોલી?
એક ઈન્ટરવ્યુ દરમિયાન સીમા હૈદરને પૂછવામાં આવ્યું હતું કે ભારતની અંજુ પાકિસ્તાની છોકરાના પ્રેમમાં સરહદ પાર કરી ગઈ છે. જોકે, તે કાયદાકીય પ્રક્રિયા બાદ પાકિસ્તાન ગઈ છે. તમે તેના વિશે શું કહેશો?
આના જવાબમાં સીમાએ કહ્યું હતું કે, 'તે (અંજુ) ભારતમાં રહેતી હતી. ભારત એક એવો દેશ છે જ્યાં એક વ્યક્તિ બધું જ કરી શકે છે. જ્યારે પાકિસ્તાન એવો દેશ છે જ્યાં જો કોઈને ખબર પડે કે સીમા બહાર ગઈ છે અથવા કંઈક કરી રહી છે તો તે મારા માટે ખૂબ જ ખરાબ હોય. જો હૈદરની ખબર પડી ગઈ હોત કે હું એક હિન્દુ છોકરાના પ્રેમમાં છું તો તે મને મારી નાખત.'
સીમાએ જણાવ્યું ભારત અને પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિમાં તફાવત શું?
સીમાએ કહ્યું હતું કે, 'સિંધ અને બલોચમાં મહિલાઓનું કોઈ સન્માન નથી. સિંધ પ્રદેશમાં અમારી ઉંમરની કોઈ છોકરી ભણેલી નથી. ભૂલથી પણ માથા પરથી દુપટ્ટો કાઢી નાખવામાં આવે તો પણ તેઓ અમારી સાથે દુર્વ્યવહાર કરે છે. ત્યાં ઘણી કડકતા છે. ઘરની બહાર નીકળતી વખતે આંખો સુધી બુરખો પહેરવો પડે છે. જ્યારે ભારતમાં મને અહીં મહિલાઓનું ઘણું સન્માન મળે છે.'
અંજુએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા
અંજુ થોમસે પાકિસ્તાનમાં તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે લગ્ન કરતા પહેલા ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ ફાતિમા રાખ્યું. રિપોર્ટ અનુસાર, બંનેએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લાની કોર્ટમાં કાયદેસરના લગ્ન કર્યા હતા. પાકિસ્તાનના મલાકંદ ડિવિઝનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ નાસિર મહેમૂદ સત્તીએ અંજુ અને નસરુલ્લાહના લગ્નની પુષ્ટિ કરી છે.
પોલીસ અધિકારીએ કહ્યું છે કે અંજુએ ઈસ્લામ અપનાવ્યા બાદ પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ નાસિર મેહમૂદ સત્તીએ પણ કહ્યું છે કે લગ્ન બાદ અંજુને પોલીસ સુરક્ષા હેઠળ કોર્ટમાંથી ઘરે મોકલી દેવામાં આવી છે.