• પીએમ મોદી 3-4 સપ્ટેમ્બરે બ્રુનેઈ અને 4-5 સપ્ટેમ્બરે સિંગાપોરની લેશે મુલાકાત
  • પીએમ મોદી અને સિંગાપોરના વડાપ્રધાન વચ્ચે દરિયાઈ સુરક્ષા અંગે કરાશે ચર્ચા
  • સમુદ્રમાં ચીનની દાદાગીરી સામે ભારત અને સિંગાપુરની વિચારસરણી સમાન

વડાપ્રધાન મોદીની સિંગાપુર મુલાકાતને લઈને વિદેશ મંત્રાલયે મહત્વની માહિતી આપી છે. MEA સચિવ જયદીપ મજુમદારે કહ્યું છે કે, વડાપ્રધાન સિંગાપુરના નેતૃત્વ સાથે દરિયાઈ સુરક્ષા પર ચર્ચા કરશે. વડાપ્રધાન લોરેન્સ વોગટના આમંત્રણ પર પીએમ મોદી 4 અને 5 સપ્ટેમ્બરે સિંગાપુરની મુલાકાત લેશે. આ પહેલા પીએમ મોદી બ્રુનેઈની પણ મુલાકાત લેશે.

દરિયાઈ સરહદની સુરક્ષાને લઈને બન્ને દેશોની વિચારસરણી સમાન

વડાપ્રધાન મોદીના આગામી વિદેશ પ્રવાસ પર એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, દરિયાઈ સરહદની સુરક્ષાને લઈને બન્ને દેશોની વિચારસરણી લગભગ સમાન છે. તેમણે કહ્યું કે, સાઉથ ચાઈના સમુદ્રને લઈને ભારત સરકારના સ્ટેન્ડથી બધા વાકેફ છે. સિંગાપુર દરિયાઈ સંચાર લાઇનની સલામત અને મુક્ત અવરજવરનું પણ સમર્થક છે.

ચીનની દાદાગીરીથી સિંગાપુર પરેશાન

ચીન તેની વિસ્તરણવાદી નીતિઓને કારણે કુખ્યાત છે. જમીની સરહદની સાથે સાથે દરિયાઈ સરહદને લઈને પણ ચીનનો ઘણા દેશો સાથે વિવાદ છે. જ્યાં એક તરફ ભારતના ઘણા વિસ્તારો પર ચીન પોતાનો હોવાનો દાવો કરી રહ્યું રહે છે, તો બીજી તરફ દક્ષિણ ચીન સમુદ્રના કેટલાક ભાગોને લઈ ચીન અને સિંગાપુર વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જો કે, વર્ષ 2019માં બન્ને દેશો વચ્ચે દરિયાઈ સરહદની સુરક્ષા અને શાંતિને લઈને સમજૂતી થઈ છે, તેમ છતાં ચીન સાથે વિવાદનો ભય યથાવત છે.

ભારત-સિંગાપોર ચીન સામે સંયુક્ત

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતની જેમ સિંગાપુર પણ દક્ષિણ ચીન સમુદ્રમાં સુરક્ષિત અને મુક્ત દરિયાઈ સંચારના પક્ષમાં છે. એટલે કે આ મુદ્દે બન્ને દેશોનો અભિપ્રાય એકસમાન છે. આવી સ્થિતિમાં ભારત અને સિંગાપુર વચ્ચે દરિયાઈ સુરક્ષાને લઈને ચર્ચા થશે તેમાં કોઈ શંકા નથી. MEA અનુસાર અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે, આ મુદ્દા પર કયા સ્તરે ચર્ચા થશે પરંતુ આ ક્ષેત્રમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે.

પીએમ મોદી અનેક કંપનીઓના CEO સાથે કરશે મુલાકાત

તેથી વડાપ્રધાન મોદી અને સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોગ્ટ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણામાં આ મુદ્દા પર ચર્ચા થશે તેવી પૂરી આશા છે. આ સિવાય બન્ને દેશો વચ્ચે વેપાર અને રોકાણનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સિંગાપુર ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વડાપ્રધાન મોદી સિંગાપુરની મુલાકાત દરમિયાન ઘણી કંપનીઓના CEO સાથે પણ મુલાકાત કરશે.

વડાપ્રધાન બ્રુનેઈ અને સિંગાપુરના પ્રવાસે જશે

વડાપ્રધાન મોદી 3 અને 4 સપ્ટેમ્બરે બ્રુનેઈ અને 4-5 સપ્ટેમ્બરે સિંગાપુરની મુલાકાત લેશે. જયદીપ મજમુદારે કહ્યું છે કે, આ બન્ને દેશો સાથે મ્યાનમારની સ્થિતિ પર પણ ચર્ચા થઈ શકે છે. તેમણે કહ્યું કે, દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન પડોશી દેશો અને તેમની સ્થિતિ પર વારંવાર ચર્ચા થાય છે. જયદીપ મજમુદારે વધુમાં કહ્યું કે, સિંગાપુર અને બ્રુનેઈ પણ આસિયાન દેશોનો હિસ્સો છે.

બ્રુનેઈ સાથે ભારતના મજબૂત સંબંધો

પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત અંગે મજુમદારે કહ્યું કે, આ કોઈ પણ ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની પ્રથમ મુલાકાત છે. જે ભારત-બ્રુનેઈના ડિપ્લોમેટિક સંબંધોના 40 વર્ષ પૂર્ણ થવાના અવસર પર થવા જઈ રહી છે. અગાઉ બ્રુનેઈના રાજા હાજી હસનલ બોલ્કિયાએ 1992 અને 2008માં ભારતની રાજકીય મુલાકાત લીધી હતી. તેણે 2012 અને 2018માં આસિયાન ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લીધો હતો. તેઓ ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય અતિથિ તરીકે પણ ભારત આવ્યા હતા.

વડાપ્રધાન બ્રુનેઈની મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા

મજમુદારે વધુમાં જણાવ્યું કે, બન્ને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. બન્ને દેશો રક્ષા, વેપાર અને રોકાણ, ઉર્જા, સ્પેસ, ટેકનોલોજી અને સ્વાસ્થ્ય જેવા અનેક ક્ષેત્રોમાં પરસ્પર ભાગીદારી સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, બ્રુનેઈની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી દ્વિપક્ષીય મંત્રણા કરશે. જેમાં દ્વિપક્ષીય સંબંધો અને સહયોગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવશે. તેમજ વડાપ્રધાન એવા ક્ષેત્રો પર પણ ચર્ચા કરશે જ્યાં બન્ને દેશો વચ્ચે સહયોગ કરવામાં આવી શકે છે. તેમના જણાવ્યા અનુસાર બ્રુનેઈમાં લગભગ 14 હજાર ભારતીયો રહે છે જેઓ ત્યાંના સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. મજમુદારે કહ્યું કે, બ્રુનેઈ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાગીદારની ભૂમિકા ભજવે છે. તેથી વડાપ્રધાનની આ મુલાકાત ઘણી રીતે ઘણી મહત્વની સાબિત થઈ રહી છે.

  • Follow us on: