દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ મંગળવારે દેશમાં માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી હતી. જોકે, નેશનલ એસેમ્બલીમાં વોટિંગ બાદ તેમણે થોડા કલાકોમાં જ પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. રાષ્ટ્રપતિના આ પ્રયાસ વિરુદ્ધ દેશની જનતા રસ્તા પર ઉતરી આવી છે, જ્યારે વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી છે.
દક્ષિણ કોરિયામાં છેલ્લા 24 કલાકથી રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. મંગળવારે, જ્યારે રાષ્ટ્રપતિ યુન સુક-યોલે અચાનક દેશમાં માર્શલ લૉ લાદવાની જાહેરાત કરી હતી, ત્યારે નેશનલ એસેમ્બલીએ મતદાન દ્વારા તેમને તેમનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પાડી હતી. બીજી તરફ, દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ બુધવારે રાષ્ટ્રપતિને તાત્કાલિક પદ છોડવાની માંગ કરી હતી, વિપક્ષે ચેતવણી આપી છે કે જો યુન સુક તેમનું પદ નહીં છોડે તો તેમને મહાભિયોગનો સામનો કરવો પડશે. દરમિયાન, દક્ષિણ કોરિયાના રક્ષામંત્રી કિમ યોંગ-હ્યુને જનતાની માફી માંગી છે અને રાજીનામું આપવાની જાહેરાત કરી છે.













