આ વર્ષનું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક દક્ષિણ કોરિયાનાં લેખિકા હાન કાંગે જીત્યું છે. નોબેલ કમિટીએ જણાવ્યું કે ઐતિહાસિક આઘાતનો સામનો કરતા અને માનવજીવનની નાજુકતાને ઉજાગર કરતા તીવ્ર કાવ્યાત્મક ગદ્ય બદલ હાન કાંગને આ સન્માન અપાયું છે. 53 વર્ષનાં હાન કાંગ 2016માં તેમની નવલકથા 'ધ વેજિટેરિયન' માટે બુકર પ્રાઇઝ જીતી ચૂક્યાં છે.


સ્વીડિશ એકેડમીની નોબેલ કમિટીના મેટ્સ માલ્મે સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકની સ્ટોકહોમમાં જાહેરાત કરી હતી. હાન કાંગનો જન્મ 1970માં ગ્વાંગજૂમાં થયો હતો પણ 9 વર્ષની ઉંમરે તેમનો પરિવાર સિયોલ જતો રહ્યો હતો.

તેઓ સાહિત્યિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના પિતા પણ પ્રતિષ્ઠિત નવલકથાકાર હતા. હાન કાંગે 1993માં સાહિત્યના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. તેમના સાહિત્યસર્જનમાં 10 નવલકથાઓ, ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ અને એક કાવ્યસંગ્રહ સામેલ છે. તેમની લેટેસ્ટ નવલકથા 'આઇ ડુ નોટ બિડ ફેરવેલ'ને 2023માં ફ્રાન્સમાં મેડિસિસ પુરસ્કાર અને આ વર્ષે એમિલ ગુઇમેટ પુરસ્કારથી સન્માનિત કરાઇ હતી. 1901થી અત્યાર સુધીમાં સાહિત્ય માટે કુલ 116 નોબેલ પુરસ્કાર અપાયા છે, જે પૈકી ચાર વખત આ પુરસ્કાર એકથી વધુ વિજેતાઓ વચ્ચે વહેંચાયો હતો. અત્યાર સુધીમાં 17 મહિલાઓ સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવી ચૂકી છે.


  • Follow us on: