શ્રીલંકન નેવીએ તમિલનાડુના રામેશ્વરમ ખાતેથી માછલી પકડવા બંદરેથી નીકળેલા 23 માછીમારોને કથિત રીતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. માછીમારોની ટુકડી શનિવારે રવાના થઈ હતી અને નેદુનથીવુ બંદર પાસે માછલી પકડી રહ્યા હતા ત્યારે તેઓને શ્રીલંકન નેવીએ ઘેરી લઈને બધાની ધરપકડ કરી હોડીઓ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

માછીમારોને છોડાવવા પત્ર લખ્યો
મળતી માહિતી અનુસાર, આ ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોને કંગેસંથુરાઈ નેવલ કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા અને જાફના ફિશરીઝ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવશે. આ અગાઉ પણ શ્રીલંકન નેવીએ સપ્ટેમ્બર મહિનામાં પણ 17 માછીમારોને પકડ્યા હતા. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો હતો. સ્ટાલિને જયશંકરને પત્ર લખીને કહ્યું હતું કે 28 સપ્ટેમ્બરે રામેશ્વરમ ફિશ લેન્ડિંગ સેન્ટરમાંથી માછીમારી કરવા ગયેલા માછીમારો રવિવારના રોજ નેદુન્થીવુ નજીક શ્રીલંકાના અધિકારીઓએ પકડ્યા હતા. માછીમારોની અટકાયત અને તેમની બોટ જપ્ત કરવાથી દરિયાકાંઠાના સમુદાયોમાં ગંભીર તકલીફ અને અનિશ્ચિતતા વધી રહી છે.

માછીમારોના પરિવારો ચિંતામાં
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'મેં વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે આ ગંભીર મુદ્દાને રાજદ્વારી રીતે ઉકેલવા માટે નક્કર અને સક્રિય પગલાં લેવા જોઈએ. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેં 27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનને આપવામાં આવેલા મેમોરેન્ડમમાં વિનંતી તરીકે પણ આ રજૂઆત કરી છે. સ્ટાલિને કેન્દ્ર સરકારને ભારતીય માછીમારોની ધરપકડ રોકવા માટે મજબૂત અને અસરકારક રાજદ્વારી પગલાં શરૂ કરવા વિનંતી કરી હતી.

માછીમારોના મુદ્દે સ્ટાલિને પીએમ મોદીને આપેલા મેમોરેન્ડમમાં કહ્યું કે 23 સપ્ટેમ્બર સુધીમાં 145 માછીમારો અને 191 બોટ શ્રીલંકાની કસ્ટડીમાં હતી, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ છે.


  • Follow us on: