ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પોતાના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોરની સાથે જૂન મહિનાથી અવકાશમાં છે. બંને પાંચમી જૂને બોઈંગના સ્ટારલાઈનર અવકાશયાનથી ઉડયા પછી છ જૂને આઈએસએસ પહોંચ્યા હતા. જો કે આઠ દિવસના પ્રવાસને હવે છ મહિના થવા આવ્યા છે. આગામી વર્ષના ફેબ્રુઆરીમાં તેઓના પરત આવવાની આશા છે. જો કે, આટલા સમયથી અવકાશ સ્ટેશનમાં રહેતી સુનિતા વિલિયમ્સના આરોગ્યને લઈ ઘણીવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી ચુકી છે. નાસાએ છતાં એકવાર ફરી તેઓના આરોગ્યની જાણકારી આપતા રાહતની ખબર આપી છે. નાસાએ જણાવ્યું કે, અવકાશમાં રહેલા તમામ યાત્રિકો ઘણા સુરક્ષિત છે.
નાસાએ સુનિતાના આરોગ્ય અંગે માહિતી આપી
મળતી માહિતી અનુસાર, નાસાએ તમામ અવકાશયાત્રીઓ અંગેની માહિતી આપી હતી. ISS પરના તમામ નાસા અવકાશયાત્રીઓ નિયમિત તબીબી પરીક્ષાઓમાંથી પસાર થાય છે અને સમર્પિત ફ્લાઇટ સર્જન દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવે છે. જીમી રસેલે કહ્યું કે નાસાના તમામ અવકાશયાત્રીઓ સુરક્ષિત છે.
સુનિતા વિલિયમ્સની તસવીર જોઈને લોકો ચિંતિત
તાજેતરમાં સુનિતા વિલિયમ્સનો એક ફોટો વાયરલ થઈ રહ્યો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે તે તેના મિત્રો સાથે પિઝા અને ચિપ્સ ખાઈ રહી છે. જોકે, સુનિતા વિલિયમ્સની તસવીર જોયા બાદ ઘણા લોકો ચિંતિત છે. તેના શરીરમાં કેલરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે તેનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
સુનિતા વિલિયમ્સનું વજન ઘટયું
મળતી માહિતી અનુસાર, સુનિતા વિલિયમ્સના આરોગ્ય અંગે માહિતી આપી હતી. એક તબીબે જણાવ્યું કે જ્યારે તમે લાંબા સમય સુધી ઊંચાઈ પર રહો છો, ત્યારે તમે દબાણને કારણે કુદરતી તણાવ અનુભવો છો. આ કારણથી તસવીરમાં સુનિતા વિલિયમ્સના ગાલ ધસી પડેલા જોવા મળે છે. આ ત્યારે થાય છે જ્યારે તમારા શરીરનું વજન ઘટે છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા દિવાળીના તહેવારે સુનિતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશન પરથી તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. તેણીએ કહ્યું હતું કે, "ISS તરફથી શુભેચ્છાઓ. હું વ્હાઇટ હાઉસ અને આજે વિશ્વભરમાં દિવાળીની ઉજવણી કરનારા તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ આપવા માંગુ છું. આ વર્ષે મને પૃથ્વી પર 260 માઈલ ઉપર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે. ISS. મારા પિતાએ અમને હંમેશા દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવ્યું છે.