- અમેરિકન સિંગર ટેલર સ્વિફટના સંગીત સમારોહ સ્થળે આતંકી હુમલાનું કાવતરું
- ઓસ્ટ્રિયા દેશની વિશેષ ટીમે બે આઈએસઆઈસેના આતંકીઓની ધરપકડ કરી
- આતંકવાદીઓના ઘરેથી મળેલા પુરાવાની વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલી રહી છે
ઓસ્ટ્રિયા દેશમાં અમેરિકી જાણીતી ગાયિકા ટેલર સ્વિફટના આ અઠવાડિયે યોજાનાર ત્રણ સંગીત સમારોહમાં આતંકી હુમલાનું કાવતરાને નિષ્ફળ કરાયું છે. બીજા તરફ આ કાવતરાનો ખુલાસો થયા બાદ ટેલર સ્વિફટનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ મુદ્દે પોલીસે આઈએસઆઈસ જૂથ સાથે સંકળાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી લીધી છે. ઓસ્ટ્રિયાના ગૃહમંત્રાલયે જણાવ્યું કે, એક આરોપી 19 વર્ષીય છે, જે કેમિકલ અને ટેક્નોલૉજીના ઉપકરણ સાથે મળ્યો છે. તપાસ કરનારી ટીમને શંકાસ્પદ આતંકીઓના ઘરેથી પુરાવા મળ્યા છે જેની તપાસ થઈ રહી છે.
આતંકવાદીઓના ઘરેથી શંકાસ્પદ વસ્તુઓ મળી
મળતી માહિતી પ્રમાણે અઠવાડિયા પહેલા 19 વર્ષીય યુવકે તેના ઈન્ટરનેટ એકાઉન્ટ પર ઈસ્લામિક સ્ટેટ જૂથના વર્તમાન નેતા પ્રત્યે વફાદારીની શપથ અપલોડ કરી હતી. હુમલાના સંબંધમાં સ્ટેડિયમ નજીક બીજા 17 વર્ષના કિશોરની ધરપકડ કરવામાં આવી છે. ગૃહ પ્રધાન ગેરહાર્ડ કર્નરે જણાવ્યું હતું કે સત્તાવાળાઓને બીજા શંકાસ્પદના ઘરમાંથી ઇસ્લામિક સ્ટેટ જૂથ અને અલ-કાયદાની સામગ્રી મળી આવી હતી. તેમણે કહ્યું કે હુમલાના સંબંધમાં અન્ય કોઈ શકમંદો વોન્ટેડ નથી.
એક શંકાસ્પદ ઓસ્ટ્રિયાનો નાગરિક
ઓસ્ટ્રિયા દેશના સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે બીજો શંકાસ્પદ સગીર ઓસ્ટ્રિયાનો નાગરિક છે. જે તુર્કી અને ક્રોએશિયન મૂળનો છે. તેને આ સ્ટેડિયમ પાસે વિશેષ પોલીસદળની ટીમે ઝડપી પાડ્યો હતો. જ્યાં આ અઠવાડિયે સંગીત કાર્યક્રમ યોજાવાનો હતો. ઓસ્ટ્રિયન સુરક્ષા અધિકારીઓનો આરોપ હતો કે બંને આરોપી સ્ટેડિયમ બહાર હુમલો કરવાની ફિરાકમાં હતા અને ચપ્પુ અથવા વિસ્ફોટકોનો ઉપયોગ કરી વધુ લોકોની હત્યા કરવા માગતા હતા. મુખ્ય શંકાસ્પદ ઉત્તરી મેસેડોનિયાના મૂળનો 19 વર્ષીય ઓસ્ટ્રિયન નાગરિક છે અને તે હુમલો કરવાના કાવતરા રચવાનો આોપ સ્વીકારી લીધો છે.
