વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વડાપ્રધાને આ આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. તેમણે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ન્યૂ ઓર્લિયન્સમાં આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી પ્રાર્થના અને સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આ દુ:ખદ સમયમાં આપણે બધાએ એક થઈને આતંકવાદ સામે લડવું પડશે.


ન્યૂ ઓર્લિયન્સના સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને એક પૂર ઝડપે આવી રહેલા પીકઅપ ટ્રકે કચડી નાખ્યા હતા. જેમાં ટેક્સાસનો રહેવાસી 42 વર્ષીય શમસુદ્દીન જબ્બાર મુખ્ય આરોપી છે. પોલીસે આરોપી ડ્રાઈવરને આતંકવાદી ગણાવ્યો છે અને તેની કારમાંથી 2 દેશી બોમ્બ ઉપરાંત ISISનો ઝંડો પણ મળી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અચાનક થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસનું કહેવું છે કે ડ્રાઈવરે ઈરાદાપૂર્વક ટ્રકને ભીડમાં ચડાવી દીધી અને પછી કારની અંદરથી ગોળીબાર શરૂ કરી દીધો હતો, અમેરિકન અધિકારીઓએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ હુમલામાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ પણ થયા છે.

કોણ હતો હુમલાખોર શમસુદ્દીન જબ્બાર?

FBI મુજબ જબ્બાર ટેક્સાસનો રહેવાસી હતો અને યુએસ આર્મીનો નિવૃત્ત સૈનિક હતો. એફબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ આતંકવાદી સંગઠનો સાથે જબ્બારની સંભવિત સંડોવણીની તપાસ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ જબ્બાર હ્યુસ્ટનમાં રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતો હતો અને આર્મીમાં આઈટી નિષ્ણાત તરીકે પણ ફરજ બજાવતો હતો. જબ્બારને અગાઉના 2 નાના ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ 2002માં ચોરી માટે અને 2005માં અમાન્ય લાયસન્સ સાથે ડ્રાઈવિંગ કરવા માટે દોષિત ઠેરવ્યો હતો. તમને જણાવી દઈએ કે જબ્બરે 2 વખત લગ્ન કર્યા હતા અને 2022માં તેની બીજી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

  • Follow us on: