- ઈઝરાયેલે હમાસની અનેક જગ્યાઓ પર હુમલો કર્યો
- ઈઝરાયેલના PM નેતન્યાહુ સાથે મુલાકત કરશે મૈક્રો
- હુમલાઓ યથાવત રહેશે તો સ્થિતિ અનિયંત્રિત થઈ જશે:ઈરાન
ઈઝરાયેલ - હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 17મો દિવસ છે અને ગાઝા પટ્ટીમાં હમાસના ઢેકાણા પર ઇઝરાયેલનો બોમ્બમારો ચાલુ છે. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 4,651 પેલેસ્ટાઈનના મોત થયા છે જ્યારે 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. તો બીજી તરફ ઈઝરાયેલ પણ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલે સોમવારે હિઝબુલ્લાહની બે જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયેલની સેના અનુસાર, હિઝબુલ્લાહના આતંકવાદીઓ આ બેઝ પરથી ઈઝરાયેલ પર એન્ટી ટેન્ક મિસાઈલ અને રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યા હતા. તે જ સમયે, 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 1400 લોકોના મોત થયા છે.
ઈઝરાયેલની સેના જમીન પર હુમલો કરવાની તૈયારી
ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીથી 5 કિલોમીટરના અંતરે કેમ્પ કરી રહી છે. સેના ગાઝા પટ્ટી પર જમીની હુમલો કરવા માટે ઇઝરાયેલ સરકારના આદેશની રાહ જોઈ રહી છે. ઈઝરાયેલી સેના આગામી ગ્રાઉન્ડ એટેકની તૈયારીમાં લાઈવ-ફાયર ટ્રેનિંગ લઈ રહી છે. ગાઝા પટ્ટીમાં તૈનાત સૈનિકોનું મનોબળ વધારવા ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ ઈઝરાયેલના રક્ષામંત્રી અને સેનાના વરિષ્ઠ અધિકારીઓએ બેઠક કરી છે.
ઈરાને ઈઝરાયેલને ધમકી આપી
ઈઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાને ચેતવણી આપી છે કે જો ગાઝામાં ઈઝરાયેલનો નરસંહાર ચાલુ રહેશે તો વસ્તુઓ નિયંત્રણ બહાર જશે. ઈરાનના વિદેશ મંત્રી હુસેન અમીર-અબ્દુલ્લાહિયાને ઈઝરાયેલ અને અમેરિકાને ચેતવણી આપી હતી. અમેરિકી પ્રમુખ જો બાઈડેનના નાગરિકોની હત્યા અને હોસ્પિટલો પર બોમ્બ ધડાકા કરતા શાસનનો બચાવ કરવા માટે ઉતાવળે તેલ અવીવની યાત્રા કરી હતી.
અમીર-અબ્દુલ્લાહિયાને કહ્યું હતું કે, હું અમેરિકા અને યહૂદી શાસનને ચેતવણી આપું છું કે જો તેઓ ગાઝામાં માનવતા વિરુદ્ધના ગુનાઓ તાત્કાલિક બંધ નહીં કરે તો ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. જો વસ્તુઓ નિયંત્રણ બહાર જશે તો માત્ર યુદ્ધ લડી રહેલા લોકોને જ નુકસાન થશે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન મંગળવારે ઈઝરાયેલની મુલાકાત લેશે
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મંગળવારે ઈઝરાયેલની મુલાકાત લેશે. ઈઝરાયેલના પીએમ કાર્યાલયે આ વાતની પુષ્ટિ કરી છે. ઇમેન્યુઅલ મેક્રોન ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂને હમાસ સાથેના યુદ્ધ અંગે ઇઝરાયેલ સાથેની એકતા દર્શાવવા માટે મળશે.
ઈઝરાયેલે ગાઝા પર બોમ્બમારો કર્યો
ઈઝરાયેલે સોમવારે ગાઝામાં અનેક ટાર્ગેટ પર હુમલો કર્યો હતો. પેલેસ્ટિનિયન મીડિયા અનુસાર, આ હુમલાઓમાં 30 લોકો માર્યા ગયા હતા. પેલેસ્ટાઈન મીડિયા અનુસાર ઈઝરાયેલે ત્રણ હોસ્પિટલો નજીક બોમ્બમારો કર્યો છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલામાં હોસ્પિટલોને નુકસાન થયું છે કે નહીં. હોસ્પિટલ નજીક બોમ્બ વિસ્ફોટના અહેવાલો પર ઇઝરાયેલી સેના તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.
આજે યુદ્ધનો 17મો દિવસ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા. એટલું જ નહીં હમાસના લડવૈયાઓએ સરહદી વિસ્તારોમાં ઘૂસીને ઈઝરાયેલના સૈનિકો અને નાગરિકો પર હુમલો પણ કર્યો હતો. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 1400 લોકો માર્યા ગયા છે. તે જ સમયે, આ હુમલાઓના જવાબમાં, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર બોમ્બમારો કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 4600 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.









