• ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાંથી બાળકોને બહાર કાઢવા માટે તૈયાર
  • ઈંધણ ખતમ થવાને કારણે બે નવજાત બાળકો મૃત્યુ પામ્યા
  • હોસ્પિટલે ઇંધણ સમાપ્ત થતાં સેવાઓ સ્થગિત કરી દીધી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલની સેનાએ કહ્યું હતું કે તે રવિવારે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાંથી બાળકોને બહાર કાઢવા માટે તૈયાર છે. આ એ જ હોસ્પિટલ છે જેમાં પેલેસ્ટિનિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે યુદ્ધ દરમિયાન ઈંધણ ખતમ થવાને કારણે બે નવજાત બાળકો મૃત્યુ પામ્યા હતા અને અન્ય ડઝનેક બાળકો જોખમમાં છે. પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, અલ શિફા હોસ્પિટલે ઇંધણ સમાપ્ત થતાં સેવાઓ સ્થગિત કરી દીધી હતી પરિણામે ઇન્ક્યુબેટરમાં બે બાળકોના મૃત્યુ થયા હતા.

તે જ સમયે, હમાસે દાવો કર્યો છે કે તેણે છેલ્લા 48 કલાક દરમિયાન ગાઝામાં 25થી વધુ વાહનો સહિત 160થી વધુ ઇઝરાયેલી લશ્કરી લક્ષ્યોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નષ્ટ કર્યા છે. તો બીજી તરફ ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ કહ્યું હતું કે હમાસે ઉત્તરી ગાઝા પર નિયંત્રણ ગુમાવ્યું છે. શનિવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ગાઝામાં વધુ પાંચ ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું હતું કે, ત્યાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 46 લોકો માર્યા ગયા છે.

બંધકોને છોડવામાં આવશે?

અહેવાલ અનુસાર, ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને મુક્ત કરવાના કરાર તરફ કેટલીક પ્રગતિ થઈ છે. નેતન્યાહુએ કહ્યું હતું કે તેઓ કોઈપણ સંભવિત સોદાની વિગતોની ચર્ચા કરશે નહીં. લડાઈમાં 3થી 5 દિવસના વિરામ દરમિયાન 50થી 100 મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને તબક્કાવાર મુક્ત કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ઇઝરાયેલ તેની જેલોમાંથી મહિલાઓ અને નાના પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે અને ગાઝાને બળતણ સપ્લાય કરવા પર વિચાર કરશે જ્યારે ડીલ પછી લડાઈ ફરી શરૂ કરવાનો અધિકાર અનામત રાખશે.

નેતન્યાહુનું નિવેદન

નેતન્યાહુએ કહ્યું હતું કે, 'જ્યારે અમારી પાસે કહેવા માટે કંઈક નક્કર હશે, ત્યારે અમે પરિવારોને અપડેટ કરીશું અને તેને સરકાર સુધી લાવીશું.' ત્યાં સુધી મૌન રહેવું વધુ સારું રહેશે. તેલ અવીવમાં હજારો લોકો બંધકોના પરિવારોના સમર્થનમાં એક રેલીમાં જોડાયા હતા. ગાઝાના લોકોએ જણાવ્યું હતું કે હમાસને ખતમ કરવા માટે યુદ્ધમાં ઉતરેલા ઈઝરાયલી સૈનિકો આખી રાત ગાઝા શહેરમાં અને તેની આસપાસ હમાસના બંદૂકધારીઓ સાથે લડતા રહ્યાં. ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલ અહીં આવેલી છે.

અશરફ અલ-કિદ્રા જે હમાસ-નિયંત્રિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરે છે. ઇંધણ સમાપ્ત થતાં હોસ્પિટલે સેવાઓ સ્થગિત કરી દીધી હતી. પરિણામે ઇન્ક્યુબેટરમાં બે બાળકોના મૃત્યુ થયા હતા. ગાઝાની બોર્ડર ઓથોરિટીએ જણાવ્યું હતું કે ઇજિપ્તમાં રફાહ ક્રોસિંગ શુક્રવારે બંધ થયા બાદ વિદેશી પાસપોર્ટ ધારકો માટે રવિવારે ફરી ખુલશે.

તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલી ગોળીબાર દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું હતું અને તબીબી સંકુલ પર સમયાંતરે ઇઝરાઇલી સ્નાઇપર્સ દ્વારા છાપરા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જે લોકોની હલનચલન કરવાની ક્ષમતાને મર્યાદિત કરે છે. અમે અલ શિફા મેડિકલ કોમ્પ્લેક્સની અંદર ઘેરાયેલા છીએ અને (ઇઝરાયલી) કબજાએ અંદરની મોટાભાગની ઇમારતોને નિશાન બનાવી છે.

ઈઝરાયેલે બાળકોને બહાર કાઢવાની ઓફર કરી 

ઇઝરાયલના મુખ્ય સૈન્ય પ્રવક્તા, રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી સૈન્ય બાળકોને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. 'શિફા હોસ્પિટલના સ્ટાફે અમને આવતીકાલે બાળકોને સુરક્ષિત રીતે હોસ્પિટલ લઈ જવા માટે બાળરોગ વિભાગ તરફથી મદદ કરવા વિનંતી કરી છે. અમે જરૂરી મદદ કરીશું. ઈઝરાયેલે કહ્યું છે કે ઉત્તર ગાઝાની હોસ્પિટલોમાં આશ્રય લઈ રહેલા ડોકટરો, દર્દીઓ અને હજારો લોકોએ ત્યાંથી નીકળી જવું જોઈએ જેથી તે હમાસના બંદૂકધારીઓ સાથે વ્યવહાર કરી શકે.

ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે હમાસે હોસ્પિટલની નીચે અને તેની આસપાસ કમાન્ડ સેન્ટર બનાવ્યા છે. જ્યારે હમાસ આ રીતે હોસ્પિટલોનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી રહ્યું છે. મેડિકલ સ્ટાફનું કહેવું છે કે જો દર્દીઓને ખસેડવામાં આવે તો તેઓ મરી શકે છે.

  • Follow us on: