- નિજ્જર હત્યાકાંડને લઈને ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં ખટાશ
- ટ્રુડો ભારત વિરૂદ્ધ નિવેદનથી વિપક્ષના હુમલાઓ હેઠળ આવ્યા
- તેમણે તમામ તથ્યો સાથે સ્પષ્ટ થવું જોઈએ: વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડને લઈને ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી છે. ત્યારે PM જસ્ટિન ટ્રુડો તેમના ભારત વિરૂદ્ધ નિવેદનથી તેમના જ દેશના વિપક્ષના હુમલાઓ હેઠળ આવ્યા છે. ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યામાં સામેલ હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપો પર ઝાટકણી કાઢતાં વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે કહ્યું છે કે તેમણે તમામ તથ્યો સાથે સ્પષ્ટ થવું જોઈએ.
મંગળવારે પોઇલીવરે કહ્યું હતું કે મને લાગે છે કે વડાપ્રધાને તમામ તથ્યો સાથે સ્પષ્ટપણે આગળ આવવાની જરૂર છે. અમારે તમામ સંભવિત પુરાવા જાણવાની જરૂર છે જેથી કેનેડિયન તેના પર નિર્ણય લઈ શકે.
વડા પ્રધાને કોઈ તથ્યો આપ્યા ન હતા: પોઈલીવરે
કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા બાદ બીજું શું કરવું જોઈએ તે પૂછવામાં આવતા મીડિયાના પ્રશ્નના જવાબમાં પોલીવરેની ટિપ્પણીઓ આવી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને કોઈ તથ્યો આપ્યા નથી. તેમણે માત્ર નિવેદન આપ્યું છેઅને હું ફક્ત એ વાત પર ભાર મૂકીશ કે તેમણે કેનેડિયનોને જાહેરમાં કહ્યું છે તેટલું તેમણે મને ખાનગીમાં કહ્યું નથી. તેથી અમે વધુ માહિતી જોવા માંગીએ છીએ.
તેમણે કહ્યું હતું કે જો વધુ માહિતી આપવામાં નહીં આવે તો આરોપો ખોટા અથવા અવિશ્વસનીય હોવાનું જણાય છે. તેમણે કહ્યું હતું કે અમારી પાસે એવા પુરાવા હોવા જોઈએ જે વડા પ્રધાનને એવા નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ કરશે. તે અંગે નિર્ણય લેવા માટે મારી પાસે વધુ પુરાવાની જરૂર છે.
નિજ્જરને ગોળી મારીને હત્યાનો આરોપ
હકીકતમાં ટ્રુડોએ ભારત સરકાર પર હરદીપ સિંહ નિજ્જરને ગોળી મારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમના દેશના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ પાસે એવું માનવાનું કારણ છે કે, ભારત સરકારના એજન્ટોએ કેનેડિયન નાગરિકની હત્યા કરી હતી જેઓ સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ પણ હતા.