- ભારત તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાની પ્રતિક્રિયા
- હેટ સ્પીટ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આપ્યો જવાબ
- CAAએ કાયદા સમાન જે વિવિધ દેશોમાં નાગરિકતા માટે માપદંડ તૈયાર કરે છે
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને હેટ સ્પીચ પર ભારત તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે UNHRCને કહ્યું હતું કે, CAA એક મર્યાદિત અને કેન્દ્રિત કાયદો છે જે પડોશી દેશોના દલિત લઘુમતીઓને નાગરિકતા આપે છે.
ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, CAA એ કાયદા જેવું છે જે વિવિધ દેશોમાં નાગરિકતા માટે માપદંડ તૈયાર કરે છે. આ કાયદામાં નિર્ધારિત માપદંડો ભારત અને તેના પડોશી માટે વિશિષ્ટ છે અને ઐતિહાસિક સંદર્ભ અને વર્તમાન જમીની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લે છે. જીનીવામાં ચાલી રહેલી માનવાધિકાર સમીક્ષામાં ઘણા સભ્ય દેશોએ ભારતમાં CAAના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
સોલિસિટર જનરલ મહેતાએ જણાવ્યું હતું કે, આ કાયદાનો હેતુ ભારતના પડોશી દેશો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના 6 લઘુમતી સમુદાયો હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી લોકોને ધાર્મિક અત્યાચારના આધારે ભારતીય નાગરિકતા મેળવવામાં મદદ કરવાનો છે.
સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે, આ કાયદો પાડોશી દેશોમાંથી ધાર્મિક આધાર પર પીડિત થયેલા લોકોને સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ બનાવશે. આ અધિનિયમ ન તો કોઈપણ ભારતીય નાગરિકની નાગરિકતા છીનવી લે છે અને ન તો તે કોઈપણ ધર્મના કોઈપણ વિદેશીને ભારતીય નાગરિકત્વ મેળવવા માટેની વર્તમાન પ્રક્રિયામાં સુધારો કરે છે.
હેટ સ્પીટ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આપ્યો જવાબ
સંયુક્ત રાષ્ટ્રનાં સભ્યો દેશો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો જવાબ આપતા મહેતાએ જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની ખાતરી આપે છે. સાથે જ અન્ય કોઈપણ સ્વતંત્રતાની જેમ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણ પ્રકૃતિની નથી અને તે ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સુરક્ષા, અન્ય દેશો સાથેના સંબંધો, જાહેર વ્યવસ્થા, શિષ્ટાચાર અથવા હિતમાં વાજબી પ્રતિબંધોને આધીન છે.









