અમેરિકાના પૂર્વ વિસ્તારના ફિલાડેલ્ફિયા શહેરમાં છ જાન્યુઆરીના રોજ સવારે સર્જાયેલી ભયાનક દુર્ઘટનાએ 7 બાળકો સહિત 13 લોકોનો ભોગ લીધો હતો. ફિલાડેલ્ફિયા શહેરની એક ત્રણ માળની ઇમારતમાં આગ લાગતાં દાઝી જવાથી તે સર્વેના મૃત્યુ નોંધાયા હતા. ફિલાડેલ્ફિયા અગ્નિશમન દળના અધિકારી ક્રેગ મર્ફીએ જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે. અગ્નિશમન દળે આગને અંકુશમાં લઇને ઇમારતની અંદર ફસાઇ ગયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા બે લોકોને ઇમારતની બહાર કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ફિલાડેલ્ફિયા પબ્લિક હાઉસ ઓથોરિટી દ્વારા તૈયાર થયેલી આ
ઇમારતમાં લાગેલી આગને બુઝાવી દીધા પછી પણ અગ્નિશમન દળે ઇમારતમાં બચી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. ઇમારતમાં ચાર સ્મોક ડિટેક્ટર લાગેલા હતા અને તે તમામ સ્મોક ડિટેક્ટર ખોટકાયેલા હતા.










