• હમાસે પચાસ બંધકોને છોડી મૂકવાના બદલામાં ઈંધણની માગણી કરી

  • અમેરિકાને હમાસે બંધક બનાવેલા 200 કરતાં વધારે લોકોને છોડાવવાની ચિંતા છે
  • ઇઝરાયેલની સેનાએ અત્યાર સુધીમાં ગાઝામાં હમાસના 300થી વધારે થાણાંઓને નિશાન બનાવ્યાં

અમેરિકાએ ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાં હાલ હમાસનાં થાણાંઓ પર જમીની હુમલા બંધ કરવાની સલાહ આપી છે. સાથે જ અમેરિકાએ એમ પણ કહ્યું છે કે બની શકે કે ગાઝામાં જમીની ઓપરેશન્સ કરવાથી ઇઝરાયેલને ધાર્યાં પરિણામ ન મળે. દરમિયાનમાં અમેરિકાએ ઇઝરાયેલી અધિકારીઓની મુલાકાત લીધા બાદ કહ્યું કે ઇઝરાયેલ હજુ ગાઝામાં જમીની હુમલા માટે તૈયાર નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ઇઝરાયેલને ચેતવણી આપતાં કહેલું કે ગાઝામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીની અવળી અસર પડી શકે છે. ઇઝરાયેલે રવિવારે ઉત્તર અને મધ્ય ગાઝામાં જમીની હુમલા શરૂ કરી દીધા હતા. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ઇઝરાયેલની સેનાએ અત્યાર સુધીમાં ગાઝામાં હમાસના 300થી વધારે થાણાંઓને નિશાન બનાવ્યાં છે. જોકે, આ હુમલાઓ વચ્ચે પણ અમેરિકાને હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોની ચિંતા છે.

ઈઝરાયેલે હમાસની તમામ માગ ફગાવી

જોકે હમાસ હવે સોદાબાજી પર ઊતરી આવ્યું છે. હમાસે ઇઝરાયેલ સામે બેવડી નાગરિકતા ધરાવતા 50 બંધકોને છોડી મૂકવાના બદલામાં ફ્યૂઅલ સપ્લાયની માગણી કરી છે. જોકે, ઇઝરાયેલે હમાસની આ શરતને નકારી કાઢી છે. ઇઝરાયેલનું કહેવું છે કે જ્યારે બધા 220 બંધકોને છોડી મૂકવામાં આવશે ત્યારે જ તે ઈંધણની સપ્લાયની મંજૂરી આપશે.

ઇઝરાયેલે બંધકોની શોધ માટે ઇનામ જાહેર કર્યું

બીજી તરફ ઇઝરાયેલ બંધકોને શોધવા માટે ગાઝામાં પત્રિકોઓ ફેંકી રહ્યું છે. ઇઝરાયેલે કહ્યું કે જે લોકો બંધકો વિશેની માહિતી આપશે તેમને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને ઇનામરૂપે પૈસા પણ ચૂકવવામાં આવશે. આ માટે ઇઝરાયેલે મોબાઇલ નંબર પણ જારી કર્યો છે.


  • Follow us on: