- રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના પ્રચાર અભિયાન નિશાના પર હોવાનો ગૂગલે રિપોર્ટ જાહેર કર્યો
- ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમે ઈરાન પર હેકિંગનો આરોપ લગાવ્યો હતો
- અમેરિકી વિદેશ વિભાગે ઈરાનને ચૂંટણીમાં દખલ કરવા આપી ચેતવણી
ગૂગલે મંગળવારે પુષ્ટિ કરી કે ઈરાન સમર્થિત હેકર્સ અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાનને નિશાન બનાવી રહ્યા છે. ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલા 'APT42' નામના હેકર ગ્રુપે ઈઝરાયલ અને અમેરિકામાં સરકારી અધિકારીઓ અને રાજકીય અભિયાનો સહિત હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ અને સંગઠનોને નિશાન બનાવ્યા હતા.
કમલા હેરિસની ટીમે આ આરોપ લગાવ્યો હતો
ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની પ્રચાર ટીમે મંગળવારે કહ્યું હતું કે, કેમ્પેનને વિદેશી હેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમે ઈરાન પર હેકિંગનો આરોપ લગાવ્યો હતો.
જુલાઈમાં FBIએ વિદેશી સાયબર એટેક અંગે જાણ કરી હતી
હેરિસ પ્રચાર ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જુલાઈમાં પ્રચાર અભિયાનની કાનૂની અને સુરક્ષા ટીમોને FBI દ્વારા જાણ કરવામાં આવી હતી કે અમે વિદેશી સાયબર એટેકના નિશાન પર છીએ. તેમણે કહ્યું કે, અમારી પાસે મજબૂત સાયબર સુરક્ષા ઉપાય છે તેથી અમારી સિસ્ટમના કોઈપણ સુરક્ષા ભંગ વિશે અમને જાણકારી નથી.
ગૂગલ ટીમે બીજું શું કહ્યું?
ગૂગલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગૂગલની ટીમ રાષ્ટ્રપતિ જો બિડેન, ઉપરાષ્ટ્રપતિ હેરિસ અને ટ્રમ્પ સાથે જોડાયેલા લોકોના પર્સનલ એકાઉન્ટ્સ પર APT42 દ્વારા સાયબર હુમલાના નિષ્ફળ પ્રયાસો જોવા મળ્યા છે. આ પહેલા સોમવારે અમેરિકી વિદેશ વિભાગે ઈરાનને ચૂંટણીમાં દખલ કરવા બદલ પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી. નોંધનીય છે કે, ટ્રમ્પ પ્રચાર ટીમે કહ્યું હતું કે, તેમના પર સાયબર એટેક થયો છે.