- એલન મસ્કને કેબિનેટ પદ અથવા સલાહકારની ભૂમિકા આપવા બાબતે ટ્રમ્પનું નિવદન
- પ્લેટફોર્મ X પર ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે મસ્કની કારના વખાણ કર્યા હતા
- એલન મસ્કે ગયા મહિને રાષ્ટ્રપતિ પદની રેસમાં ટ્રમ્પને જાહેરમાં સમર્થન આપ્યું હતું
રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, જો તેઓ ચૂંટણી જીતી જાય છે, તો તેઓ ટેસ્લા (TSLA.O)ના CEO એલન મસ્કને કેબિનેટ પદ અથવા સલાહકારની ભૂમિકા આપવા માટે તૈયાર છે. નોંધનીય છેકે, બિઝનેસમેન એલન મસ્કે ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ પદની રેસમાં ટ્રમ્પને જાહેરમાં સમર્થન આપ્યું હતું.
'તે એક અદ્ભુત માણસ છે'
ટ્રમ્પે પેન્સિલવેનિયાના યોર્કમાં એક ચૂંટણી ઈવેન્ટ બાદ રોઈટર્સને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. મસ્કને સલાહકારની ભૂમિકા અથવા કેબિનેટ પદ માટે નોમિનેટ કરવા બાબતે ટ્રમ્પને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, હું ચોક્કસપણે તે કરીશ, જો તે આવુ કરવા માંગતા હોય, તો હું ચોક્કસપણે તે કરીશ. તે એક અદ્ભુત માણસ છે.
પ્લેટફોર્મ X પર ટ્રમ્પનું ઈન્ટરવ્યુ
નોંધનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિનું આ નિવેદન મસ્ક દ્વારા તેમના પ્લેટફોર્મ X પર ટ્રમ્પ સાથે ઈન્ટરવ્યુ આપ્યાના થોડા દિવસો બાદ આવ્યું છે. ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે મસ્કની કારના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે,દરેક વ્યક્તિએ ઈલેક્ટ્રિક કાર ખરીદવી ન જોઈએ, તેમ છતાં મસ્ક હજુ પણ 'મહાન પ્રોડક્ટ્સ' બનાવે છે.
ઇલેક્ટ્રિક વાહનો માટે મોટી વાત કહી
સોમવારે રોઇટર્સ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, જો તેઓ ચૂંટાશે તો ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે $7,500ની ટેક્સ ક્રેડિટ દૂર કરવાનું વિચારશે. જો કે, તેમણે કહ્યું કે, 'ટેક્સ ક્રેડિટ અને ટેક્સ પ્રોત્સાહન સામાન્ય રીતે બહુ સારી બાબત નથી.'
એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યું સમર્થન
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર મસ્કે અગાઉ કહ્યું હતું કે, તે 2020ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જો બિઇડેનને સમર્થન આપે છે. જો કે, તેણે ટૂંક સમયમાં પોતાનું વલણ બદલી નાખ્યું અને તેમની હત્યાના પ્રયાસ પછી ટ્રમ્પને ટેકો આપ્યો. અબજોપતિ ઉદ્યોગપતિએ X પર લખ્યું, 'હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંપૂર્ણ સમર્થન આપું છું અને આશા છે કે તે ઝડપથી સ્વસ્થ થઈ જશે.'