અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે પાંચ નવેમ્બરે થનારા મતદાન પૂર્વે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દુ મતદારોને રીઝવવા પાસા ફેંક્યા છે.
ટ્રમ્પે દાવો કર્યો કે દુનિયાભરમાં હિન્દુઓ વિરુદ્ધ બર્બર હિંસા થઇ રહી છે. અમેરિકામાં પણ જો બાઇડેન અને કમલા હેરિસના રાજમાં હિન્દુઓની ઉપેક્ષા થઇ રહી છે. ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે હું બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ તથા અન્ય લઘુમતીઓ વિરુદ્ધ બર્બર હિંસાની સખત નિંદા કરું છું. બાંગ્લાદેશમાં ટોળાં દ્વારા લઘુમતીઓ પર હુમલા થઇ રહ્યા છે, લૂંટફાટ થઇ રહી છે. સંપૂર્ણપણે અરાજકતાની સ્થિતિ છે. મારા કાર્યકાળમાં આવું ક્યારેય ન થયું હોત. કમલા અને બાઇડેને અમેરિકા સહિત દુનિયાભરમાં હિન્દુઓની અવગણના કરી છે. તે બંને ઇઝરાયેલથી લઇને યૂક્રેન અને અમેરિકાની પોતાની દક્ષિણ સરહદે આફતરૂપ સાબિત થયા છે પરંતુ અમે અમેરિકાને ફરી મજબૂત બનાવીશું અને તાકાતના જોરે પુનઃ શાંતિ સ્થાપીશું. અમે અમેરિકન હિન્દુઓનું પણ કટ્ટર ડાબેરીઓના ધર્મવિરોધી એજન્ડાથી રક્ષણ કરીશું. અમે તેમની સ્વતંત્રતા માટે લડીશું.










