- ઈટાલીના વેલેન્ટિના ફિનો નામની 31 વર્ષીય નર્સ 330 ફુટ ખીણમાં પડી જતા મોતને ભેટી
- નર્સ અને તેનો બોયફ્રેન્ડ એડવેંચર ટ્રિપ પર સૌથી મોટા ડુંગર પર ગયા જ્યાં દુર્ઘટના સર્જાઈ
- બોયફ્રેન્ડ વીડિયો ઉતારવામાં મસ્ત, નર્સ ડુંગરથી નીચે ખીણમાં પડી જવાની ઘટના લાઈવ કેદ થઈ
એડવેંચર કરવાના શોખ ધરાવતા લોકો ઘણીવાર ટ્રેકિંગ અને હાઈકિંગ પસંદ કરે છે. કામથી રજા મળતાની સાથે લોકો એડવેન્ચર ટ્રિપ પર નીકળી પડતા હોય છે, જો કે, એક નર્સને એડવેન્ચર ખૂબ ભારે પડયું. બોયફ્રેન્ડની સાથે હાઈકિંગ એટલે પગપાળા લાંબા સ્થળે ફરવા જતા નર્સ પર્વતની ટોચ પર પહોંચી ગઈ હતી. બોયફ્રેન્ડે ખુશીમાં આવીને કેમેરા ચાલુ કરી દીધો પરંતુ નર્સનો પગ લપસી જતા તે 330 ફૂટ નીચે ખીણમાં જઈ પડી. ચોંકાવનારી વાત તો એ છે કે, નર્સનો મોતનો લાઈવ વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.
રજાના દિવસે નર્સ ફરવા નીકળી
આ આખો મામલો ઈટાલી દેશનો છે. 31 વર્ષીય અને વ્યવસાયે નર્સ એવી વેલેન્ટિના ફિનોની સાથે થયેલી દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. વેલેન્ટિના નર્સ હતી. હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ કરતી હતી. રજાના દિવસે નર્સ વેલેન્ટિના પોતાના બોયફ્રેન્ડ એંડ્રિયા પેડેટા સાથે એડવેન્ચર ટ્રિપ પર જવાનો પ્લાન બનાવ્યો હતો. શનિવારે બંને ઈટાલીના એપેનિનેસમાં આવેલા પિએત્રા ટેગલિયાટા ડુંગર પર ચઢવાનું શરૂ કર્યું હતું. 330 ફૂટ ઉંચા પહાડ પર બંને સરળતાથી ચઢી ગયા હતા. જોકે ત્યાં ગયા પછી થોડીવાર રોકાયા હતા.

પર્વતની ટોચ પરથી નર્સ નીચે ધરબાઈ
પહાડની સૌથી ઉંચી ટોચ પર બંને પહોંચ્યાં પછી વેલેન્ટિનાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. નર્સનો બોયફ્રેન્ડ એંડ્રિયાએ આ પળને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. એંડ્રિયા વીડિયો બનાવવા લાગ્યો પરંતુ બંનેને ખબર નહોતી કે, આ વીડિયો વેલેન્ટિનાની જિંદગીનો છેલ્લો વીડિયો બની જશે. આ દરમિયાન વેલેન્ટિનાનો પગ લપસી ગયો અને તે સીધી નીચે 330 ફુટ ખીણમાં જઈને ખાબકી હતી. એંડ્રિયાએ વેલેન્ટિનાને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો અને તે ટોચથી કિનારા સુધી ગયો પરંતુ જ્યારે નીચે જોયું તો બધે જંગલ હતું અને વેલેન્ટિના ક્યાંય જોવા નહોતી મળી.
આજે વેલેન્ટિના નર્સના અંતિમ સંસ્કાર થશે
નર્સના બોયફ્રેન્ડ એંડ્રિયાએ મદદની બુમો પાડી. આસપાસ રહેલા ફાઈટર જેટ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી કલાકો સુધી તપાસ કરી બાદમાં તેઓને વેલેન્ટિનાનો મૃતદેહ મળ્યો હતો. નર્સ વેલેન્ટિનાનું મોત થઈ ગયું હતું. તેના બોયફ્રેન્ડ એંડ્રિયાનો ધ્રૂસકે ધ્રૂસકે રોઈં પડયો હતો. એંડ્રિયાએ જણાવ્યું કે, તેણે વેલેન્ટિનાની સાથે ભવિષ્યની ખૂબ યોજનાઓ બનાવી હતી. હવે તે બેકાર થઈ ગયો છે. બસ સંતોષ એ વાતનો છે કે વેલેન્ટિના જે કામ સૌથી વધુ પસંદ કરતી તે કરતા આ દુનિયાથી ચાલી ગઈ. આજે મૃતક વેલેન્ટિનાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.













